વિદેશમાં હાયર એજ્યુકેશન મેળવવાનું ભારતીય વિદ્યાર્થીઓમાં લાંબા સમયથી આકર્ષણ રહ્યું છે. કોઈ અમેરિકા-કેનેડા તો કોઈ ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યુરોપના દેશોમાં ડિગ્રી મેળવવા જવાનું પસંદ કરે છે. જોકે હવે Gen-Z યુવાનોમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ઓછી થઈ રહી હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે.
ગ્લોબલ એજ્યુકેશન ફર્મ Emeritus દ્વારા જાહેર કરાયેલા India Gen Z Outlook 2026 રિપોર્ટ મુજબ, વિદેશમાં અભ્યાસનો વધતો ખર્ચ, વિઝાને લઈને અનિશ્ચિતતા અને અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરીની તકો અંગેની ચિંતાઓને કારણે યુવાનો હવે વિદેશ જવા અંગે ફરીથી વિચાર કરી રહ્યા છે. આ રિપોર્ટ 15થી 28 વર્ષની વયના યુવાનો સાથે વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં યુવાનોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.
પ્રી-કોલેજ ગ્રુપમાં સ્કૂલમાં ભણતા અથવા ધોરણ-12 પાસ કરીને હાયર એજ્યુકેશનની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
ટ્રાન્ઝિશન ગ્રુપમાં હાલમાં બેચલર્સ કરી રહેલા અને આગળ માસ્ટર્સ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ છે.
જ્યારે અર્લી-કરિયર ગ્રુપમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા અથવા કરિયરની શરૂઆત કરી રહેલા યુવાનોનો સમાવેશ થાય છે.
રિપોર્ટ મુજબ વિદેશમાં હાયર એજ્યુકેશન મેળવવામાં રસ ધરાવતા 48% યુવાનોએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં તેમની વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ઘટી છે. આ ઘટાડો ખાસ કરીને અમેરિકાને લઈને વધુ જોવા મળ્યો છે.
પ્રી-કોલેજ વિદ્યાર્થીઓમાંથી 32% વિદેશ જવાનું વિચારી રહ્યા છે, જ્યારે 71% આગામી બે વર્ષમાં ભારતમાં જ અભ્યાસ કરવામાં રસ ધરાવે છે.
અર્લી-કરિયર ગ્રુપમાં 85% લોકો વિદેશમાં અભ્યાસ અંગે વિચાર કરી રહ્યા છે, પરંતુ 60% આગામી બે વર્ષમાં ભારતમાં અભ્યાસ કરવા પણ રસ ધરાવે છે.
ટ્રાન્ઝિશન ગ્રુપમાં 78% વિદ્યાર્થીઓ વિદેશ જવાનું વિચારે છે, જ્યારે 92% આગામી બે વર્ષમાં ભારતમાં અભ્યાસ કરવા ઈચ્છે છે. આમાંથી 69% યુવાનો વિદેશના વિઝા સંબંધિત મુશ્કેલીઓ અને અનિશ્ચિતતાથી બચવા માટે ભારતમાં જ કોઈ કેમ્પસ પસંદ કરવાનું વધુ યોગ્ય માને છે.
વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા યુવાનોમાંથી 35%ની નજરમાં અમેરિકા એક વિકલ્પ છે, પરંતુ તેમાંથી 42%એ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં અભ્યાસ પ્રત્યે તેમનો રસ ઘટ્યો છે.
અમેરિકા પ્રત્યેનો રસ ઘટવાનું મુખ્ય કારણોમાં 41% વિદ્યાર્થીઓએ ઊંચો અભ્યાસ ખર્ચ, 34%એ કડક વિઝા અને ઇમિગ્રેશન નિયમો, જ્યારે 31%એ પરિવારનો સહયોગ ન મળવો કારણ તરીકે જણાવ્યું છે.
આ ઉપરાંત સ્ટુડન્ટ લોન લઈને અભ્યાસ કર્યા બાદ તેને સમયસર ચૂકવવાની ચિંતા પણ ઘણા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. એટલે હવે યુવાનો માટે માત્ર વિદેશી ડિગ્રી મેળવવી જ મહત્વની નથી રહી, પરંતુ ખર્ચ સામે મળનાર કરિયર લાભ એટલે કે ROI પણ મોટો મુદ્દો બની રહ્યો છે.