વ્યાજખોરો સામે ગીર સોમનાથ પોલીસનું અભિયાન, કોડીનારમાં લોક દરબાર યોજાયો
વ્યાજખોરો સામે ગીર સોમનાથ પોલીસનું અભિયાન, કોડીનારમાં લોક દરબાર યોજાયો
October 08, 2026 10:58 AM
ગીર સોમનાથ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી વિરુદ્ધ લોક દરબાર યોજી પીડિતોને પોતાની ફરિયાદ રજૂ કરવા માટે તક આપવામાં આવી હતી. લોક દરબારમાં પોલીસને અંદાજે 11થી 12 જેટલી અરજીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે. લોક દરબારમાં કેટલાક લોકો વ્યાજખોરો સામે ફરિયાદ કેવી રીતે કરવી, પોલીસમાં અરજી આપ્યા બાદ શું કાર્યવાહી થાય સહિતની માહિતી મેળવવા પણ પહોંચ્યા હતા. પોલીસે અરજદારોને જરૂરી માર્ગદર્શન આપી ફરિયાદોની ચકાસણી શરૂ કરી હતી. ચકાસણી બાદ 4થી 5 જેટલા કેસમાં તાત્કાલિક કાર્યવાહી માટે પોલીસની ટીમો રવાના કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, વ્યાજખોરો દ્વારા નાની રકમ વ્યાજે આપ્યા બાદ મોટી રકમ વસૂલવી તેમજ મૂળ રકમ કરતાં અનેકગણી ચુકવણી થઈ ગયા બાદ પણ જમીન, મકાન, દુકાન, વાહન કે મહિલાઓના દાગીના જેવી મિલકત પડાવી લેવાના કિસ્સાઓ સામે આવે છે. આવા કિસ્સામાં પીડિતો પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરી શકે છે.ગીર સોમનાથ પોલીસ દ્વારા પીડિતોને કાયદેસરની કાર્યવાહી સાથે તેમની કિંમતી ચલ-અચલ સંપત્તિ પરત અપાવવામાં પણ મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. કોડીનારમાંથી શરૂ થયેલું આ અભિયાન હવે જિલ્લાના અન્ય નગરોમાં પણ લોક દરબારના આયોજન સાથે આગળ ધપાવવામાં આવશે.