જામનગર નજીક દરેડ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે.
મૂળ મધ્યપ્રદેશના જાંબવાના વતની અને હાલ દરેડ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા વિનોદ વરસિંગ ગુડિયા નામના ૨૫ વર્ષના પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી મીરા દરેડ વિસ્તારમાં યુનિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ, એક કારખાના નજીક રોડ પર ઉભી હતી, જે દરમિયાન જી.જે.૧૦ ડી.આર. ૪૨૦૭ નંબરના ટ્રેક્ટરના ચાલકે બેદરકારીથી ચલાવી હડફેટે લઇ બાળકીને ચગદી નાખતાં માથામાં હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી. દરમ્યાન ૧૦૮ને બોલાવવામાં આવી હતી, ટીમના ફરજ પરના તબીબે તપાસીને બાળાનું મૃત્યુ થયાનું જણાવ્યુ હતું.
આ બનાવ અંગે વિનોદભાઈ ભીલએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ બાળકીના મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધીને વાહનચાલકની વિધિવત ધરપકડ કરવા તપાસ લંબાવી છે, બનાવના કારણે પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.