સુરતના માંગરોળ તાલુકાના કોસંબામાં હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. કોસંબામાં રેલવે અંડરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ પર એક ટ્રોલી બેગ મળી આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા તેમાંથી અજાણી યુવતીનો મૃતદેળ મળી આવ્યો હતો. આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પોલીસે યુવતીના શરીર પર રહેલા ટેટૂના આધારે તપાસ હાધ ધરી છે.
પોલીસે હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ શરૂ કરી
મળતી માહિતી મુજબ બંધ બેગમાંથી અંદાજિત 25 વર્ષીય યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે.
કોસંબામાં હાઈવે કિનારેથી આ ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતાં હાહાકાર મચી ગયો છે. મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાએ યુવતીના પગ બાંધી, બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડી વાળી મૃતદેહને ભરી દીધો હતો. પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ શરૂ કરી છે.
હત્યારાએ મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન
પોલીસના જણાવ્યા અનુસાર લોકો દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડબોડી પડી હોય એવું લાગે છે, જેથી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઇ હતી, જ્યાંથી અંદાજિત 25 વર્ષની એક અજાણી મહિલાની ડેડબોડી મળી છે. પ્રાથમિક દૃષ્ટિએ હત્યારાએ મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. બોડીના કટકા નથી કર્યા, પણ કપડાં દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી. કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.
પોલીસે યુવતીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે. મહિલાના હાથ પર ટેટૂ પણ દોરાયેલાં છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસકાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે. પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.