ગોંડલ માર્કેટીંગ યાર્ડના વેપારી પાસેથી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના સંચાલકે રૂપિયા 29.38 લાખનો માલ મંગાવી રૂ. 8 લાખ ચૂકવી બાકી રહેતા રૂ. 21.38 લાખ ધુંબો મારી દઇ છેતરપિંડી કરતા ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉ આ શખસે જેતપુરના વેપારી સાથે પણ રૂ.15.61 લાખની છેતરપિંડી આચરી હતી.ગોંડલના મોવિયા રોડ પર હુસેન મસ્જિદની પાછળ રહેતા વેપારી જુમ્માભાઈ ઇબ્રાહીમભાઈ દોઢીયા(ઉ.વ.૬૦) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોધરાની શ્રીજી આલુ ભંડાર નામની પેઢીના સંચાલક રાહુલનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડમાં સેડ નંબર એ-૧૪૨ માં ખુશ્બુ ટ્રેડીંગ નામની ડુંગળી તથા લસણની ખરીદ-વેચાણની ભાગીદારી પેઢી છે. જેમાં તેમની સાથે રાજુભાઈ ચકુભાઈ બાબરીયા (રહે. ગોંડલ) તથા ભાણેજ અજમલભાઈ ઇબ્રાહીમભાઈ ઘાડા (રહે.ગોંડલ) ભાગીદાર છે.વૃદ્ધએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૧૨/૦૮/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૧૦/૩૦ વાગ્યે તેઓ મારી પેઢીની ઓફીસ હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે, હું રાહુલભાઈ ગોધરાથી બોલુ છુ. મારે ગોધરામાં શ્રીજી આલુ ભંડાર નામની પેઢી છે અને હું તેનો માલીક છું. આ પેઢી હું છેલ્લા ચાર વર્ષથી ચલાવુ છું. હું તમને તમારા તમામ માલના રૂપીયા આપી દઈશ તેમ વાત કરી મને વિશ્વાસ આપી કહેલ કે, મારે ૧૦ ટન ડુંગળી જોઇએ છે. જેથી વેપારીએ તેને ડુંગળીના બજાર ભાવ કહેતા તે સહમત થઈ ગયો હતો અને વેપારીએ તેમને ૨૫૦ થેલી ડુંગળી જેનો વજન ૧૦૦૦૬ કિ.ગ્રા. જેની કીમત રૂ.૨,૦૮,૧૪૫ નું બીલ બનાવી મોકલ્યો હતો.બાદમાં વેપારીને ફોન ઉપર વાતચીત થતી હતી. રાહુલ ઓર્ડર આપતો રહેતો હોય તેમ વેપારી માલ મોકલતા હતાં. વેપારીએ કટકે કટકે કરી કુલ 29.38 લાખનો માલ મકલ્યો હતો. જેના બદલામાં તા.૨૪/૦૮/૨૦૨૬ ના રોજ પી.એમ. આંગડીયા પેઢી મારફતે, રૂ.૨ લાખ તા.૨૭/૦૮/૨૦૨૬ ના રોજ પી.એમ આંગડીયા પેઢી મારફતે કુલ રૂ.૮ લાખ આરોપીએ મોકલ્યા હતાં. જયારે બાકી રહેતા રૂ. ૨૧,૩૮, ૪૩૧ બાબતે વેપારીએ અવાર નવાર ફોન કરી રાહુલભાઈ પાસે ઉઘરાણી કરતા તેણે હું બહાર છું, રૂબરૂ આવી તમને આપી જાવ છું તેમ જણાવ્યું હતું. બાદ ગઇ તા.૩૦/૦૮/૨૦૨૬ ના રોજથી રાહુલભાઈએ ફોન બંધ કરી દીધો હતો. જેથી વેપારી સાથે રૂ.૨૧.૩૮ લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application