ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ ( ગોલ્ડ ઇટીએફ)માં રોકાણ કરવાની રીતમાં હવે એક મોટો વહીવટી અને ટેકનિકલ ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી, રોકાણકારો જ્યારે ગોલ્ડ ઇટીએફમાં નાણાં રોકતા હતા, ત્યારે ફંડ હાઉસ તે રકમમાંથી સીધું જ ભૌતિક સોનું (બુલિયન) ખરીદીને તેની સુરક્ષા કરતું હતું. આ પ્રક્રિયાને કારણે રોકાણકારોને ખાતરી રહેતી કે તેમના પૈસા સીધા વાસ્તવિક સોનાની કિંમતો સાથે જોડાયેલા છે. જોકે, બજારના નિયમનકાર સેબીના નવા નિયમોને પગલે હવે આ માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પેપર ગોલ્ડ એટલે કે કાગળ પરના વ્યવહારો સાથે રોકાણ કરશે.
નવા નિયમો મુજબ, હવે ગોલ્ડ ઇટીએફ માત્ર ભૌતિક સોના પૂરતું મર્યાદિત નહીં રહે. ફંડ હાઉસ હવે તેમના પોર્ટફોલિયોનો એક ભાગ 'ગોલ્ડ ડેરિવેટિવ્ઝ' એટલે કે ગોલ્ડ ફ્યુચર્સ જેવા નાણાકીય કરારોમાં રોકી શકશે. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં ગોલ્ડ ઇટીએફ એ ભૌતિક સોના અને 'પેપર ગોલ્ડ' (કાગળ પર થતા વ્યવહારો) નું મિશ્રણ હશે. સેબીના જૂન 2024ના માસ્ટર સર્ક્યુલર હેઠળ આ છૂટછાટ આપવામાં આવી છે, જેનો હેતુ ફંડ મેનેજમેન્ટમાં વધુ સુગમતા લાવવાનો છે.
જોકે, રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે સેબીએ સુરક્ષા માટે મર્યાદા નક્કી કરી છે. કોઈપણ ગોલ્ડ ઇટીએફ માટે હજુ પણ તેમના કુલ રોકાણના ઓછામાં ઓછા 95 ટકા હિસ્સો સોનામાં અથવા સોના સાથે સીધા સંબંધિત સાધનોમાં રાખવો ફરજિયાત છે. મુખ્ય તફાવત માત્ર એટલો જ છે કે પહેલા આ 95 ટકા હિસ્સો ફરજિયાતપણે ભૌતિક સોનામાં જ હતો, જે હવે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ કરી શકશે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ આ ફેરફાર લાગુ કરવામાં મોખરે છે અને તે 22 એપ્રિલ, 2026થી આ નવું માળખું અમલી બનાવશે.
રોકાણની દ્રષ્ટિએ જોઈએ તો, ભૌતિક સોનું અને ગોલ્ડ ફ્યુચર્સ વચ્ચે પાયાનો તફાવત છે. ભૌતિક સોનામાં ફંડ ખરેખર સોનાના બાર ખરીદે છે અને તિજોરીમાં રાખે છે, જેની કિંમત બજારના જીવંત ભાવ પ્રમાણે વધ-ઘટ થાય છે. બીજી બાજુ, ગોલ્ડ ફ્યુચર્સ એ એક પ્રકારનો વાયદા બજારનો કરાર છે. આમાં વાસ્તવિક સોનું ખરીદવાને બદલે, ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખે નક્કી કરેલા ભાવે સોનું લેવા કે વેચવાનો કરાર કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ સોનાની માલિકી લીધા વિના તેના ભાવની વધઘટ પર વળતર મેળવવાની પદ્ધતિ છે.
આ ફેરફાર લાવવા પાછળનું મુખ્ય કારણ ફંડ મેનેજમેન્ટને વધુ ઝડપી અને ખર્ચ-અસરકારક બનાવવાનું છે. જ્યારે બજારમાં અચાનક મોટી સંખ્યામાં રોકાણકારો નાણાં પાછા ખેંચે અથવા નવું રોકાણ કરે, ત્યારે તેટલી ઝડપે ભૌતિક સોનું ખરીદવું કે વેચવું મુશ્કેલ અને ખર્ચાળ હોય છે. ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ દ્વારા ફંડ મેનેજર ઓછા ખર્ચે અને ખૂબ જ ઝડપથી સોનાના ભાવ સાથે તાલમેલ મિલાવી શકે છે. આનાથી સોનાને સ્ટોર કરવાનો અને તેના વીમાનો ખર્ચ પણ ઘટે છે, જેનો પરોક્ષ ફાયદો રોકાણકારોને મળી શકે છે.
રોકાણકારો માટે આનો અર્થ શું છે? ટૂંકા ગાળામાં તમારા વળતર પર કદાચ કોઈ મોટી અસર જોવા નહીં મળે, કારણ કે ઇટીએફની કિંમત હજુ પણ સોનાના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ભાવો સાથે જ જોડાયેલી રહેશે. જોકે, જ્યારે બજારમાં ખૂબ વધારે અસ્થિરતા હોય, ત્યારે ફ્યુચર્સ માર્કેટના વલણોને કારણે ઇટીએફનું પ્રદર્શન વાસ્તવિક સોનાના હાજર (Spot) ભાવ કરતા થોડું અલગ પડી શકે છે. તેથી, હવે રોકાણ કરતી વખતે માત્ર વળતર જ નહીં, પણ તમારું ફંડ કેટલા ટકા ભૌતિક સોનું ધરાવે છે અને કેટલા ટકા ડેરિવેટિવ્ઝ, તે જોવું પણ જરૂરી બનશે.
ગોલ્ડ ઇટીએફ હજુ પણ સોનામાં રોકાણ કરવાનો સૌથી સુરક્ષિત અને સરળ રસ્તો ગણાશે. પરંતુ જેમ બજાર આધુનિક બની રહ્યું છે, તેમ રોકાણકારોએ પણ સમજવું પડશે કે હવે તેમના ફંડમાં માત્ર તિજોરીમાં પડેલું સોનું જ નહીં, પણ કાગળ પર થતા આધુનિક નાણાકીય કરારોનો પણ સમાવેશ થાય છે. આ પરિવર્તન ફંડ હાઉસને બજારના ઉતાર-ચઢાવ સામે વધુ સારી રીતે લડવાની શક્તિ આપશે, પરંતુ સાથે જ રોકાણના માળખામાં એક નવી જટિલતા પણ ઉમેરશે.