સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. એમસીએક્સના આંકડાઓ મુજબ સોનામાં રૂ.3,000 થી વધુ અને ચાંદીમાં રૂ.15,000 થી વધુનો એકઝાટકે વધારો નોંધાયો છે.
એમસીએક્સ ના ડેટા મુજબ, ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ.2,52,944.00 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ તે રૂ.2,63,061.00 પર ઓપન થઈ હતી. ચાંદીનો ભાવ વધીને રૂ.2,67,911.00 પર પહોંચી ગયો છે, જે તેના અગાઉના બંધ ભાવથી અંદાજે રૂ.14,967.00 જેટલો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીમાં રૂ.2,68,875.00 સુધીનું હાઈ લેવલ જોવા મળ્યું છે.
સોનાના ભાવમાં પણ આજે મોટી રિકવરી જોવા મળી છે. સોનાનો અગાઉનો બંધ ભાવ રૂ.1,56,876.00 હતો, જે આજે રૂ.1,58,458.00 પર ખુલ્યું હતું. હાલમાં સોનાનો ભાવ વધીને રૂ.1,60,053.00 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે અગાઉના બંધ ભાવ કરતા રૂ.3,177.00નો ઉછાળો સૂચવે છે. સોનાએ આજે દિવસ દરમિયાન રૂ.1,60,600.00 ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો છે.
આ એકઝાટકે આવેલા ઉછાળાને કારણે જ્વેલરી બજાર અને કોમોડિટી માર્કેટમાં હલચલ મચી ગઈ છે. વૈશ્વિક પરિબળો અને રોકાણકારોની નવી લેવાલીને કારણે કિંમતોમાં આટલો મોટો તફાવત જોવા મળી રહ્યો હોય તેમ જણાય છે.
23થી 27 ફેબ્રુઆરી સુધી સોના-ચાંદીના ભાવમાં તેજીની શક્યતા
વિશ્લેષકો કહે છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વૈશ્વિક ટેરિફ વધારવાના નિર્ણય અને પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે નવા વેપાર તણાવ વચ્ચે રોકાણકારો સલામત-આશ્રયસ્થાન સંપત્તિ શોધી રહ્યા છે, જેના કારણે આવતા અઠવાડિયે 23થી 27 ફેબ્રુઆરી વચ્ચે ચાંદી અને સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે.
સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1.61 લાખ સુધી પહોંચી શકે
વિશ્લેષકોએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, રશિયા-યુક્રેન યુદ્ધ અને વ્યાપક બજારની અસ્થિરતાને કારણે કેટલાક રોકાણકારો અનિશ્ચિતતા સામે રક્ષણ મેળવવા માટે સોનામાં રોકાણ કરવા પ્રેરાયા છે. તેમણે કહ્યું, એકંદરે, આ અઠવાડિયે કિંમતી ધાતુઓમાં જોખમ-બંધ ભાવના પ્રવર્તી રહી છે. અમને અપેક્ષા છે કે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.61 લાખ સુધી વધશે.