BREAKING NEWS

રાજકોટમાં પાર્ટી પ્લોટના માલિકને છરી બતાવી ૪ લાખની સોનાની માળાની લૂંટ

  • October 02, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં જામનગર રોડ પર આવેલ રીયલ પર્લ ફાર્મ નામના પાર્ટી પ્લોટના માલિકને ગળે છરી રાખી બંટી-બબલીએ રૂ.૪ લાખની સોનાની માળાની લૂંટ ચલાવી હતી. જે અંગે વૃધ્ધે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ અને એલસીબી ઝોન-૨ ની ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લઈ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે. આ ગુનામાં અન્ય શખસો પણ સંડોવાયેલા હોવાની શંકા હોય પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.


બનાવ અંગે રાજકોટમાં ધંટેશ્વર ગામમાં રહેતાં લાભુભાઈ નરસંગભાઈ હુંબલ (ઉ.વ.૭૧) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આ ઘટના અંગે એક અજાણ્યા પુરૂષ અને સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને રાજકોટ - જામનગર હાઈવે પર ગુજરાત ગેસ પંપની પાસે રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ આવેલ છે. આ પાર્ટી પ્લોટ ખોડાભાઈ લાલજીભાઈ પટેલને ભાડે આપેલ છે. જે પાર્ટી પ્લોટ ખાતે તેઓ દરરોજ બેસવા જાય છે.


ગઈકાલે સવારના પોણા અગિયારેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલ અને વાત કરેલ કે, રીયલ પર્લ ફાર્મ ભાડે લગ્ન માટે જોઈએ છે. બાદ અલગ- અલગ સમયે ત્રણેક ફોન આવેલ હતા. ફરીયાદી સાંજના ચારેક વાગ્યાની આસપાસ જામનગર રોડ ગુજરાત ગેસ પંપની બાજુમા આવેલ પાર્ટી પ્લોટ ખાતે હતાં ત્યારે તેમને ફોન કરનાર વ્યકતિ એક સફેદ કલરની કાર લઈને આવેલા જેમા અજાણ્યા પુરુષ અને તેની સાથે એક સ્ત્રી હતી.


જે બંને ફાર્મમાં આવ્યા બાદ તેઓની સાથે પ્લોટ ભાડે રાખવાની વાત કરી હતી અને બાદમાં તેઓને ફાર્મમાં આવેલ રૂમો જોવા ગયેલા અને આ દરમિયાન ત્યાંના પગી ભરતભાઈ વાધેલાએ રૂમના લોક ખોલી આપેલા બાદ પગી ભરતભાઈ વાધેલા તેના કામ ઉપર જતો રહેલ હતાં. તેઓએ પાર્ટી પ્લોટ દેખાડેલ બાદ ઓફીસમા ગયેલા આ દરમ્યાન ઓફીસમા બેસી એકબીજા સાથે વાત-ચીત કરતા હતા.આ સમયે અજાણ્યો પુરુષ અચાનક ઉભો થઈ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી અને છરી બતાવી મોઢા આડો હાથ રાખી મુંગો દીધો હતો તેની સાથેની અજાણી સ્ત્રીએ તેઓએ ગળામા પહેરેલ ચાર તોલાની રૂ.૪ લાખની સોનાના પારાવાળી માળા લુંટી આ બંને નાસી ગયા હતાં.


બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઇ એસ.આર.મેઘાણી અને તપાસ હાથ ધરી હતી. બનાવની ગંભીરતા દાખવી ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈની સૂચનાથી એલસીબી ઝોન-૨ પીએસઆઈ આર.એચ. ઝાલા અને ટીમે પણ તપાસ હાથ ધરી લૂંટ ચલાવનાર બંટી-બબલીને પકડી પાડી મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી હતી. તેમજ પૂર્વ આયોજિત કાવતરામાં અન્ય શખસો પણ સાથે હોવાની શંકાએ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application