વૈશ્વિક પરિવર્તનની અસરથી સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક ભાવમાં વધારો થાય છે, તો ક્યારેક ઘટાડો થાય છે. વૈશ્વિક બજારોમાં સોનું ૪૨૦૦ ડોલર પ્રતિ ઔંસ નોંધવામાં આવ્યું છે. માત્ર બે દિવસમાં સોનાના ભાવમાં રૂ.૩,૦૦૦નો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે દેશના વાયદા બજારમાં સોનાનો ભાવ રૂ.૨૦૦૦ના ઉછાળા સાથે રૂ.૧,૨૭,૦૦૦ની સપાટીને પાર પહોંચતા સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવ વધુ ૩,૦૦૦ વધુ જોવા મળ્યા છે.
રાજકોટની સ્થાનિક સોની બજારમાં સોનાનો ભાવ રૂ.૧,૩૦,૮૦૦ પર પહોંચી ગયો
દેશમાં આજે ૧૩ નવેમ્બરે સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત મોટો ઉછાળો જોવા મળ્યો છે. ૨૪ કેરેટ સોનાના પ્રતિ ૧૦ ગ્રામ ના ભાવ રૂ.૨,૩૦૦ વધીને રૂ.૧,૨૭,૩૦૦ પર પહોંચ્યા છે. ત્યારે ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ.૧૦,૦૦૦ના ઉછાળા સાથે ફરી એક વખત રૂ.૧,૭૨,૦૦૦ને પાર પહોંચી ગયા છે. ત્યારે રાજકોટની સ્થાનિક સોની બજારમાં ૨૪ કેરેટ ભાવ રૂપિયા ૨,૬૦૦થી વધુ ઉછળીને પ્રતિ ૧૦ ગ્રામના રૂ.૧,૩૦,૮૦૦ પર પહોંચી ગયા છે.
રોકાણકારોનું વલણ સલામત રોકાણ સોના તરફ જોવા મળ્યું
વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં લાંબો સમય ચાલેલા શટડાઉનના સમાધાન બાદ રોકાણકારોનું વલણ સલામત રોકાણ સોના તરફ જોવા મળ્યું છે. તો એમસીએકસ પર ડિસેમ્બરના કોન્ટ્રાક્ટસના સોનાના ભાવ રૂ.૩૨૮ એટલે કે પોઇન્ટ ૨૬ ટકા વધારા સાથે રૂ.૧,૨૫,૦૦૦ આસપાસ પહોંચી ગયો હતો. જેમાં રૂ.૧૨,૮૬૮ના લોટ માટે વ્યાપાર થયો હતો. તેમજ ફેબ્રુઆરીના કોન્ટ્રાક્ટસના સોનાના ભાવ રૂ.૧૭૧ અથવા ૦.૧૪ ટકા વધીને ૧,૨૫,૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પહોંચ્યો હતો. જેમાં ૪૦૨૭ના લોટ માટે વ્યાપાર થયો હતો.