ગોંડલ શહેરમાં ગ્રાહકોની સુવિધા વધારવા અને વીજ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પીજીવીસીએલ દ્રારા આગામી સમયની માંગને જોતા ભગવતપરા પેટા વિભાગ સબ ડિવિઝનની શઆત કરવામાં આવી છે. આ નવા સબ ડિવિઝનમાં પ્રથમ તબક્કે જ ૨૨,૭૦૦ ગ્રાહકોનો સમાવેશ કરાયો છે. ગોંડલમાં ભોજરાજપરા માર્ગ નંબર ૧૩ અને શેરી નંબર ૧૬ના ખૂણે આવેલી જૂની જીઇબીની ઓફિસ ખાતે આજથી નવી ભગવતપરા પેટા વિભાગ (સબ ડીવીઝન)ની કચેરી ધમધમતી થઈ છે. લાઈન ઈન્સ્પેકટર આર.આર. વસાવા અને ડેપ્યુટી ઈજનેર બી.ડી. બારોટના હસ્તે રીબીન કાપીને આ નવી કચેરીનું વિધિવત ઉધ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર પી.એસ. ધુલિયા, નાયબ ઈજનેર એસ.પી. કણસાગરા, એચ.બી. ધડુક, અને દિવ્યરાજસિંહ સોઢા સહિતનો પીજીવીસીએલનો બહોળો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકની ભારે જહેમતથી આ કામ શકય બન્યું છે. સાથે જ પીજીવીસીએલના એમ.ડી. જોષીના માર્ગદર્શન અને ગોંડલ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરના સઘન પ્રયત્નોને લીધે આ નવી કચેરીનું નિર્માણ થઈ શકયું છે. આ નવી કચેરી શરૂ થવાથી ગોંડલવાસીઓને અનેક ફાયદાઓ થશે. ગ્રાહકોના પ્રશ્નો અને ફરિયાદોનું નિરાકરણ અત્યતં ઝડપી બનશે. શહેરને એક નવું વીજ વિક્ષેપ નિવારણ કેન્દ્ર મળ્યું છેે.આ નવા ભગવતપરા સબ ડિવિઝનમાં ગોંડલ શહેરના કોટડા સાંગાણી રોડ, રઘુવીર સોસાયટી, રોયલ પાર્ક, એસઆરપી પોલીસ લાઈન, સુખનાથ નગર અને ભગવતપરા વિસ્તાર, વાછરા રોડ, સિવિલ હોસ્પિટલ ચોકથી સેન્ટ્રલ સિનેમા ચોક સુધીની લાઈન (જેમ કે ટાઉન હોલ, નાગરીક બેન્ક, માંડવી ચોક પોલીસ ચોકી, કડીયા લાઈન, એસબીઆઇ બેન્ક), આંબેડકર ચોકથી ગુંદાળા દરવાજા (ડાબી બાજુ)માં નાની – મોટી બજારની તમામ સોસાયટી, પાંજરાપોળ, ચોરડી દરવાજા, ગુંદાળા શેરી, વોરા શેરી, ડેરા શેરી, વચલી શેરી, અને સરવૈયા શેરી, ઉધોગભારતી ચોકથી સાંઢીયા પુલ (ડાબી બાજુ)માં સાઈડિંગ રોડ, ભોજરાજપરા, ખાઈના કાંઠા, મેલડી માતાજી મંદિર પાછળની સોસાયટી, શંકર વાડી, વોરા કોટડા રોડની તમામ સોસાયટીઓ, આવાસ, સબ જેલ, દાસીજીવણ પાર્ટી પ્લોટ પાછળનો વિસ્તાર, આવકાર, અને ૨૨૦ કે.વી. પાછળ આવેલી તમામ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા સબ ડિવિઝનના નિર્માણથી ગોંડલ શહેરના ગ્રાહકોને પાવર કટ કે અન્ય વીજ સમસ્યાઓથી જલ્દી છુટકારો મળશે અને તેમની સુખાકારીમાં નિશ્ચિત પણે વધારો થશે