ગોંડલના વેપારીએ મુંબઇ મોકલેલા રૂ. ૯.૩૦ લાખના ઘઉં બારોબાર વેચી નાંખી છેતરપિંડી

  • May 03, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલમાં રહેતા અને જામવાડી જીઆઇડીસીમાં કારખાનું ધરાવનાર અનાજના વેપારીએ ટ્રકમાં ૩૦ ટના ઘઉં મુંબઇ મોકલ્યા હતાં.જે રસ્તામાં જ બારોબાર સગેવગે કરી દેઇ ટ્રક સુરત પાસે રેઢો મુકી દઇ વેપારી સાથે રૂ. ૯.૩૦ લાખની છેતરપિંડી કરી હતી.જે અંગે વેપારીએ મુંબઇની ટ્રાન્સપોર્ટ પેઢીના માલિક,કમિશન એજન્ટ અને ટ્રક ચાલક સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં રાજ લકઝરીયર્સ માલધારી હોટલ પાછળ રહેતા મયુરભાઇ હસમુખભાઇ ભાલાળા(ઉ.વ ૩૬) નામના વેપારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ટ્રકચાલક મશરૂઅલી સજનુદીન(રહે. બુઢૌરા તા. રાનીગંજ પ્રતાપગઢ) પ્રીયા ટ્રાન્સપોર્ટના માલિક સુરેશ માતાફેર ચૌરસીયા(રહે. મુંબઇ) અને કમિશન એજન્ટ હીંમતભાઇ ગોરી(રહે. મૂંબઇ) ના નામ આપ્યા છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને જામવાડી જીઆઇડીસીમાં ગંગોત્રી સ્કુલ સામે નેશનલ હાઇવે પર અનાજ સાફ સફાઇ(સર્ટેકસ) નું કારખાનું આવેલું છે.


ગઇ તા.૨૮/૩ ના રોજ મુંબઇ વાસી માર્કેટ ખાત અનાજના દલાલ ચેતનભાઇ તુલસી ટ્રેડીંગવાળા હસ્તે અલગ અલગ વેપારીને ઘઉં મોકલવના હોવાથી તેમની સાથે વાત કરતા તેણે હીંમતભાઇ ગોરીનો નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે, તે ગાડી ભાડે બાંધી આપવાનું કામ કરે છે.જેથી હિમતભાઇ ગોરી સાથે વાત કરતા તેણે પ્રીયા ટ્રાન્સપોર્ટવાળા સુરેશ ચૌરસીયાની ગાડી ભાડે બાંધી આપી હતી. તા. ૨૮/૩/૨૦૨૫ ના રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યે ફરિયાદીના કારખાને ટ્રક આવ્યો હતો ચાલકનું નામ પુછતા મશરૂઅલી જણાવ્યું હતું.બાદમાં ખરાઇ કરી આ કન્ટેનરમાં ૩૦ ટન ઘઉં કિં.રૂ ૯.૩૦ લાખનો માલ ભરી મુંબઇ મોકલ્યો હતો.


તા. ૩૧/૩ ના ફરિયાદીએ મુંબઇના વેપારી ચેતનભાઇને ફોન કરી ઘઉંના કન્ટેનર બાબતે પુછતા કન્ટેનર ન પહોંચ્યુ હોવાનું માલુમ પડયું હતું.જેથી હિમતને ફોન કરતા ઇદનો તહેવાર હોવાથી ડ્રાઇવર રોકાઇ ગયો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તા૧/૪ ફરી ચેતનભાઇનો ફોન કરતા કન્ટેનર પહોંચ્યું ન હોવાનું જણાવ્યું હતું.જેથી હિમતને ફોન કરતા ઇદના લીધે ડ્રાઇવર રોકાય ગયાનું કહી ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.તા.૨ ના પુછતા હિંમતે કહ્યું હતું કે ગાડી કયાં રોકાઇ ગઇ છે મને ખબર નથી. ડ્રાઇવરનો ફોન પણ લાગતો નથી. જેથી આ બાબતે વેપારીએ પોલીસમાં અરજી કરી હતી.


બાદમાં વેપારીને જાણ થઇ હતી કે, આ કન્ટેનર કીમ જીઆઇડીસી સુરત પાસે ખાલી હાલતમાં પડયો છે.જેથી આ ત્રણેય શખસોએ કાવત્રુ રચી વેપારીએ મુંબઇ મોકલાવેલો માલ રસ્તમાં બારોબાર વેચી નાખી કન્ટેનર મુકી નાસી ગયા હોય વેપારીએ પોતાની સાથે થયેલી રૂ. ૯.૩૦ લાખની છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application