સૌરાષ્ટ્રમાં લગ્નવાંછુક યુવકોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં રહેતા અને ઇલેક્ટ્રિકનું કામ કરનાર યુવાનને લગ્નના નામે મહારાષ્ટ્રીયન યુવતી અને તેની ટોળકીએ રૂ. ૩.૫૦ લાખનો ચૂનો ચોપડી દીધો છે. માત્ર ૯ દિવસ સુધી પત્ની તરીકે સાથે રહ્યા બાદ લૂંટેરી દુલ્હન સોનાના દાગીના લઈને ફરાર થઈ જતાં આખરે ગોંડલ સીટી પોલીસ મથકમાં બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ગોંડલના કોટડાસાંગાણી રોડ પર રહેતા ૩૮ વર્ષીય વિમલભાઈ રમણીકભાઈ મોવલીયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, માતા-પિતાના એકના એક પુત્ર હોવાથી લગ્ન માટે કન્યાની શોધમાં હતા. આ દરમિયાન માસિયાઈ ભાઈ મારફતે સુરતના જયેશ પટેલ, હિતેશ ઉર્ફે રાહુલ કાપડિયા અને સપના કાપડિયાનો સંપર્ક થયો હતો. ટોળકીએ પ્રણાલી ઉર્ફે પ્રિયા ગણેશભાઈ પટેલ (રહે. નાગપુર, મહારાષ્ટ્ર)નો ફોટો બતાવી લગ્ન નક્કી કર્યા હતા અને બદલામાં રૂ. ૩ લાખ રોકડા માંગ્યા હતા. ગત તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ના રોજ સુરતના વાસદા ખાતે સંબંધીઓની હાજરીમાં ફુલહાર કરી લગ્ન કરાવાયા હતા. લગ્ન વખતે યુવકના પરિવારે પ્રણાલીને રૂ. ૫૦ હજારની કિંમતના સોનાના ઘરેણાં આપ્યા હતા અને દલાલોને ૩ લાખ રોકડા ચૂકવ્યા હતા. લગ્ન બાદ પ્રણાલી ગોંડલ આવી ૯ દિવસ પતિ-પત્ની તરીકે રહી હતી. ગત તા. ૨૯ જુલાઈએ વિમલભાઈ કામે ગયા હતા ત્યારે પ્રણાલીએ ફોન કરી મારા માસી ગુજરી ગયા છે તેવું કહીને સુરત ભાગી ગઈ હતી. બાદમાં તેનો ફોન સ્વિચ ઓફ આવતાં યુવકે સુરતમાં માસીના ઘરે તપાસ કરી તો માસી હયાત હોવાનું માલુમ પડયું હતું. બીજી તરફ છેતરપિંડીનો શિકાર બનેલો યુવક હજુ આઘાતમાં હતો ત્યાં જ ૨ ઓગસ્ટે અખબારમાં સમાચાર અને ફોટા છપાયા કે, સુરતની કાપોદ્રા પોલીસે લૂંટેરી દુલ્હન પ્રણાલી અને તેના સાગરીત હિતેશ કાપડિયાની ધરપકડ કરી છે. ફોટો જોતાં જ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની ખાતરી થતાં વિમલભાઈએ ગોંડલ પોલીસનો સંપર્ક કરી પ્રણાલી, હિતેશ, સપના અને જયેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.