આ દિવાળી સોનું ખરીદવા માટે શ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં સોનાના ભાવ વધતા હોય છે, પરંતુ આ વર્ષે રોકાણકારો માટે ખુશીના સમાચાર છે. છેલ્લા 6 મહિનામાં સોનાના ભાવમાં આશરે 12 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આગામી મહિનાઓમાં તેમાં મોટો ઉછાળો આવવાની શક્યતા સેવાઈ રહી છે.
સોનાના ભાવમાં આવેલા આ ઘટાડાના કારણે રોકાણકારો ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) તરફ ઝડપથી આકર્ષિત થઈ રહ્યા છે. આંકડા અનુસાર, ગોલ્ડ ETF ની કુલ પ્રબંધિત સંપત્તિ (AUM) આ વર્ષે એપ્રિલમાં ₹1,58,400 કરોડથી વધીને ઓક્ટોબરમાં ₹1,91,000 કરોડ થઈ ગઈ છે. એકલા ઓક્ટોબર મહિનામાં જ ગોલ્ડ ETF માં આશરે ₹3,300 કરોડનું ચોખ્ખું (નેટ) રોકાણ આવ્યું છે.
શું છે ગોલ્ડ ETF?
ગોલ્ડ ETF એ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે, જે ફિઝિકલ સોનાના સ્થાનિક ભાવને ટ્રેક કરે છે. આમાં એક યુનિટ સામાન્ય રીતે 99.5% શુદ્ધ ફિઝિકલ સોનાના 1 ગ્રામ બરાબર હોય છે. સેન્ટ્રલ બેંકો દ્વારા પોતાના સ્વર્ણ ભંડારમાં ઐતિહાસિક ઝડપે સોનું ઉમેરવાનો સિલસિલો ચાલુ હોવાથી આગામી 12 મહિનામાં સોનાના ભાવ વધવાની સંભાવના છે.
બજારની સરખામણીએ શ્રેષ્ઠ રિટર્ન
છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETF એ બજારની સરખામણીએ ઉત્કૃષ્ટ રિટર્ન આપ્યું છે:
'નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETF BeEs' એ 12.58% રિટર્ન આપ્યું છે.
'ઇન્વેસ્કો ગોલ્ડ ETF' અને 'ICICI ગોલ્ડ ETF' એ અનુક્રમે 12.50% અને 12.39% રિટર્ન આપ્યું છે.
'ટાટા ગોલ્ડ ETF' એ 12.62% અને 'ક્વોન્ટમ ગોલ્ડ ETF' એ 12.81% ફાયદો આપ્યો છે.
20 ઓક્ટોબર 2025 ની દિવાળી પછીથી ગોલ્ડ ETF એ સરેરાશ 9.22% રિટર્ન આપ્યું છે.
શા માટે છે ફાયદાકારક સોદો?
પરંપરાગત રીતે ફિઝિકલ સોનું (સિક્કા કે દાગીના) ખરીદવામાં આશરે 15% સુધીનો ઘડામણ ખર્ચ (મેકિંગ ચાર્જ) લાગે છે, જ્યારે ગોલ્ડ ETF માં મેકિંગ ચાર્જ બિલકુલ લાગતો નથી.
ચોરીનો ડર કે લોકરનો ખર્ચ નહીં: આ રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ડીમેટ ખાતામાં જમા રહે છે.
સરળ લે વેચ: તેને NSE અને BSE પર લાઈવ ભાવે ગમે ત્યારે ખરીદી કે વેચી શકાય છે.
નાની રકમથી શરૂઆત: ફિઝિકલ સોના માટે મોટી રકમ જોઈએ છે, જ્યારે ગોલ્ડ ETF માં તમે 1 ગ્રામ જેટલા સોનાથી અથવા SIP દ્વારા માત્ર કઈંક સો રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો છો.
આ રીતે મળ્યું બમ્પર રિટર્ન
વેલ્યુ રિસર્ચના આંકડા અનુસાર, 26 ઓક્ટોબર 2026 સુધી ગોલ્ડ ETF કેટેગરીએ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી 6.94%, એક વર્ષમાં 18.64%, ત્રણ વર્ષમાં 31.90% અને પાંચ વર્ષમાં 23.15% રિટર્ન આપ્યું છે. નિષ્ણાતોના મતે સોનાને મુખ્યત્વે પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને આર્થિક અનિશ્ચિતતા સામે રક્ષણ (હેજ) મેળવવાના સાધન તરીકે જોવું જોઈએ. રોકાણકારો ગોલ્ડ ETF દ્વારા ધીમે ધીમે સોનું એકત્રિત કરવાનો વિચાર કરી શકે છે.