મોટી ખાવડી સીમ ખાનગી કંપનીના પાવર પ્લાન્ટના યાર્ડમાંથી તાજેતરમાં સ્પેરપાર્ટસ, બકેટ સહિતના ૧૩ લાખના મુદામાલની ચોરી થઇ હતી, જેમાં મેઘપર, મેમાણા અને જોગવટના ત્રણ શખ્સો સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવતા, મેઘપર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
ખાનગી કંપનીના પાવર પ્લાન્ટના યાર્ડમાં ગત તા. ૧૮ના સમય દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો, જે અંગેની વિગતો સામે આવતા મામલો મેઘપર પડાણા પોલીસમાં લઇ જવામાં આવ્યો છે.
દરમ્યાનમાં મોટી ખાવડી ટાઉનશીપ ખાતે રહેતા મુળ ભાવનગરના વતની હાર્દિક યોગેશકુમાર શાહ દ્વારા પડાણા પોલીસમાં એવી ફરીયાદ કરી હતી કે, ફરીયાદીની કંપનીના ખાવડી સીમમાં આવેલા પાવર પ્લાન્ટના ખુલ્લા યાર્ડમાં રહેલા પ્લાન્ટની ઉપયોગી મિશ્ર ધાતુના સ્પેરપાર્ટસ, નોઝલ તથા બકેટ નંગ ૧૬૨ જેની અંદાજે કિ. ૧૩ લાખના મુદામાલની ચોરી કરી ગયા હતા અને એકબીજાને મદદગારી કરી હતી.
આ અંગે મેઘપર ગામના વિજય વાઢેર, મેમાણાના વિશ્ર્વરાજસિંહ જાડેજા અને જોગવડના આર્યન પરમાર તથા તપાસમાં જે ખુલે તે તમામની સામે ફરીયાદ કરવામાં આવતા પીએસઆઇ એ.જી. જાડેજા દ્વારા તપાસને આગળ ધપાવવામાં આવી છે.