પ્રયાગરાજના પવિત્ર સંગમ તટ પર યોજાતા માઘ મેળામાં આ વર્ષે એક અનોખી અને આકર્ષક વ્યક્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ‘ગૂગલ ગોલ્ડન બાબા’ તરીકે ઓળખાતા આ સાધુ તેમની અસાધારણ જીવનશૈલી, સોનાં–ચાંદીના ભારે આભૂષણો અને અણોખા સંકલ્પોને કારણે મઘ મેળાના મુખ્ય આકર્ષણ બની ગયા છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ ધાર્મિક મેળામાં ઉમટી પડે છે, પરંતુ આ વખતે ગોલ્ડન બબાની હાજરીએ મેળાને વિશેષ ચર્ચામાં રાખ્યો છે.
ગૂગલ ગોલ્ડન બાબા તરીકે ઓળખાતા મોનોજ આનંદ મહારાજ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે. તેઓ પોતાના શરીર પર માથાથી પગ સુધી અંદાજે પાંચ કરોડ રૂપિયાનાં સોનાં અને ચાંદીના આભૂષણ પહેરે છે. ભારે સોનાની સાંકળો, કડાં, દેવતાઓની મૂર્તિવાળી વીંટીઓ અને અન્ય આભૂષણો તેમને સામાન્ય સાધુઓથી અલગ ઓળખ આપે છે. તેમની આ ભવ્યતા જોવા માટે શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે.
ગોલ્ડન બાબાની જીવનશૈલીનો વધુ એક વિશેષ પાસું એ છે કે તેઓ ભોજન અને પાણી માત્ર ચાંદીના વાસણમાં જ લે છે. તેમની પાસે ચાંદીની થાળીઓ, લોટા અને ગ્લાસનો વિશેષ સંગ્રહ છે. તેમના જણાવ્યા મુજબ, ચાંદીનો ઉપયોગ તેઓ માત્ર વૈભવ માટે નહીં, પરંતુ શુદ્ધતા, પરંપરા અને આસ્થા સાથે જોડાયેલા વિશ્વાસના પ્રતિક રૂપે કરે છે.
આ ઉપરાંત, ગોલ્ડન બાબાનો એક અનોખો સંકલ્પ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ તેઓ અંદાજે પાંચ લાખ રૂપિયાની ચાંદીની ચપ્પલ પહેરતા હતા, પરંતુ એક પ્રતિજ્ઞા અંતર્ગત તેમણે તે છોડી દીધી છે. તેમણે જાહેર કર્યું છે કે જ્યાં સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભારતના પ્રધાનમંત્રી નહીં બને, ત્યાં સુધી તેઓ નંગા પગ ચાલશે અને કોઈપણ પ્રકારના પગરખાંનો ઉપયોગ નહીં કરે.