કેજરીવાલને આજે રાજકોટ જેલમાં બંધ ખેડૂતોને મળવા ન દેતા આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, બોટાદના હડદડ ગામે કડકા પ્રથાના વિરોધમાં આંદોલન કરનારા ખેડૂતો પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી ભાજપ સરકારે તેઓને જેલમાં પૂરી રાખ્યા છે. રાજકોટની જેલમાં બંધ ગુજરાતના ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલે જેલ અને પોલીસ તંત્રને એક પત્ર લખ્યો હતો. મેં એસપી, તેમના રીડર પીઆઈને ફોનથી ગઈકાલે જાણ કરી હતી. ટેલિફોન કરીને, વોટ્સઅપ કરીને, ઈ-મેઇલ કરીને તમામ રસ્તાઓ અપનાવીને ગઈકાલથી જ અમે જેલ અને સરકારી તંત્રને અમે વિનંતી કરી રહ્યા છીએ કે, અમને જેલમાં બંધ ખેડૂતોને મળવા માટેની વ્યવસ્થા કરી આપો. અરવિંદ કેજરીવાલ ખેડૂતોને મળીને તેમની હિંમતને બિરદાવા માંગે છે. તેમના મનોબળને મજબૂત કરવા માટે મળવા માંગે છે. પણ ભાજપના પેટમાં તેલ રેડાઈ છે કે અરવિંદ કેજરીવાલ ખેડૂતોને કેવી રીતે મળી શકે?
જેલ બંધ કરી બહાર 100થી 150 પોલીસકર્મી લગાવી દેવામાં આવ્યાઃ ઈટાલિયા
ગઈકાલ બપોરથી કોશિશ કરી રહ્યા છીએ તેમ છતાંય આજે બપોરના જેલ તંત્ર અને પોલીસ તંત્ર ના પાડે છે. જેલ બંધ કરી બહાર 100થી 150 પોલીસકર્મી લગાવી દેવામાં આવ્યા છે. જેલ તરફ જતા રસ્તાઓ પર પણ નાકાબંધી કરી દીધી છે. અમે એવું નક્કી કર્યું કે, અમને જેલમાં મળવા માટેની વ્યવસ્થા કરાવો, તેઓ રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે અને તેમને મળવાનો અધિકારી છે. અમે અરજી આપી છે તો તેઓએ અમને મૌખિક રીતે ના પાડી તો અમે લેખિતમાં માગણી કરી છે કે તમારી પાસે શું કારણો છે કે મળવાની ના પાડો છો. તો પણ તેઓ લખીને આપવાનું ના પાડે છે. ખેડૂતો કોઈ ખરાબ કામ કર્યું નથી પણ બહાદૂરીનું કામ કર્યું છે. અમે એવું નક્કી કર્યું કે, જેલ પર જઈને જેલ સુપરિટેન્ડેન્ટને મળીએ. જેલ પર ગયા તો એવું જાણવા મળ્યું કે, જેલ સુપરિટેન્ડેન્ટ પણ હાજર નથી. ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તેઓ બીજી જગ્યાએ ગયા છે. જેલના અધિકારીઓ પણ જેલ છોડીની નીકળી ગયા છે. આ હદની તાનાશાહી ભાજપ કરી રહ્યો છે.