ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે વધી રહેલી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકારે ચોમાસા દરમિયાન ડેમોમાંથી અરબી સમુદ્રમાં વહી જતા વધારાના પાણીનો સંગ્રહ કરવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરવાની કવાયત શરૂ કરી છે. નર્મદા, ઉકાઈ અને કડાણા સહિતના મોટા જળાશયોમાંથી દર વર્ષે વહી જતા આશરે ૧૫,૦૦૦ મિલિયન ક્યુબિક મીટર (એમ.સી.એમ) પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે સરકાર વિવિધ વિકલ્પો ચકાસી રહી છે.રાજ્યમાં સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર અને અન્ય મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને કારણે આગામી વર્ષોમાં પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.આથી સરકારનું મુખ્ય ધ્યાન ચોમાસામાં જળાશયો છલકાતાં સમુદ્રમાં વહી જતા પાણીને શક્ય તેટલું રોકીને તેનો ઉપયોગ રાજ્યની ભાવિ જરૂરિયાતો માટે કરવા પર છે.પ્રાથમિક અંદાજ મુજબ નર્મદા ડેમમાંથી દર વર્ષે આશરે ૯,૫૦૦ એમ.સી.એમ, ઉકાઈમાંથી ૩,૦૦૦ એમ.સી.એમ.થી વધુ અને કડાણામાંથી ૨,૨૦૦ એમ.સી.એમ.થી વધુ પાણી સમુદ્રમાં વહી જાય છે. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આંકડા પ્રાથમિક અંદાજ છે અને વાસ્તવિક જથ્થો વધુ હોઈ શકે છે.વધારાના પાણીનો સંગ્રહ કરવા માટે સરકાર મુખ્યત્વે બે વિકલ્પો પર વિચારણા કરી રહી છે. પ્રથમ વિકલ્પમાં હાલના ડેમોમાંથી કાંપ કાઢવા (ડ્રેજિંગ) સહિતની ટેકનિકલ પ્રક્રિયાઓ દ્વારા જળાશયોની સંગ્રહક્ષમતા વધારવાનો સમાવેશ થાય છે. બીજા વિકલ્પ હેઠળ ડેમ ઓવરફ્લો થાય ત્યારે વધારાનું પાણી નજીકનાં તળાવો, અન્ય જળાશયો અને વોટર બોડીઝ તરફ વાળીને સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરવાની વિચારણા છે. આ વિકલ્પોની ટેકનિકલ શક્યતા અને ઉપયોગિતા ચકાસ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી થઈ શકે છે.જળસંપત્તિ વિભાગના અભ્યાસ મુજબ રાજ્યમાં પાણીની માંગ સતત વધવાની ધારણા છે. વર્ષ ૨૦૨૪માં દૈનિક ૮,૮૦૪ મિલિયન લિટર (એમ.એલ.ડી.) પાણીની માંગ સામે વર્ષ ૨૦૩૦માં તે વધીને ૧૧,૬૪૨ એમ.એલ.ડી.થવાનો અંદાજ છે. જ્યારે વર્ષ ૨૦૫૦ સુધીમાં દૈનિક માંગ ૧૮,૯૨૭ એમ.એલ.ડી. સુધી પહોંચવાની શક્યતા છે. આમ, ૨૦૨૪ની સરખામણીએ ૨૦૫૦માં પાણીની માંગમાં ૧૧૪ ટકાનો વધારો થવાનો અંદાજ છે.ઔદ્યોગિક ક્ષેત્રની વધતી જરૂરિયાતો વચ્ચે પાણીની ઉપલબ્ધતા જાળવવી રાજ્ય સરકાર માટે મહત્ત્વનો પડકાર બની શકે છે. આ સંજોગોમાં ચોમાસાના વધારાના પાણીનો સંગ્રહ, હાલનાં જળાશયોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ અને પાણીના વૈકલ્પિક સ્ત્રોતો વિકસાવવાનું આયોજન ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે નિર્ણાયક બની શકે છે. જોકે, ૧૫,૦૦૦ એમ.સી.એમ.પાણીના સંગ્રહનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી ખર્ચ, ટેકનિકલ વ્યવહારુતા અને પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન પણ મહત્ત્વનું રહેશે.