તાજેતરમાં દુબઈ ખાતે યોજાયો તેવો જ ભવ્ય એર શો રાજકોટના આકાશમાં યોજાનાર છે. રાજકોટ શહેરના સ્માર્ટ સિટી એરિયામાં ન્યૂ રેસકોર્સ અટલ સરોવર ખાતે આગામી તા.૭ ડિસેમ્બરે એર શો યોજાશે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આયોજનને સફળ બનાવવા વિવિધ કામગીરી માટે અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી છે તેમજ પ્લાનિંગ અંગેની રિવ્યૂ મિટિંગ યોજવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, તા.૭ ડીસેમ્બરના રોજ અટલ સરોવર ખાતે સૂર્ય કિરણ એરોબેટીક એર શોનું આયોજન થશે. જેમાં ભારતીય વાયુ સેનાના વિમાનો દ્વારા રાજકોટના આકાશમાં અજબ ગજબના કરતબો અને દિલધડક સ્ટંટ કરવામાં આવશે. જે રાજકોટના આકાશમાં શૌર્ય અને સાહસનો પરચમ લહેરાવશે. આ એર શો રાજકોટના નાગરીકો નિહાળી શકશે. આજે એર શોનું રિહર્સલ યોજાયુ હતું જે નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા, અલબત્ત આજે ફ્ક્ત બે પાયલોટ આવ્યા હતા તેણે વિઝિબિલિટીની ચકાસણી અને ડેમો આપ્યું હતું. એર શોનું મુખ્ય રિહર્સલ શોના આગલા દિવસે તા.૬ ડિસેમ્બરે યોજાશે.