પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજે મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રભાસ પાટણ સ્થિત આ પવિત્ર ધામમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. દેશ-વિદેશથી લાખો ભક્તો સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે અને ‘હર હર મહાદેવ’ તથા ‘જય સોમનાથ’ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. મંદિર પરિસરમાં વિશેષ સજાવટ, દીપમાળા અને આકર્ષક લાઈટિંગથી અલૌકિક દૃશ્ય સર્જાયું છે. સોમનાથ દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરી ભાવિકો દિવ્યતાનો અનુભવ કરી રહ્યા છે.
મહાશિવરાત્રિના પાવન દિવસે પ્રાતઃકાળે વિશેષ પૂજા-અર્ચના અને અભિષેક વિધિ યોજાઈ હતી. ભગવાન સોમેશ્વરને દુધ, દહીં, ઘી, મધ અને બિલ્વપત્ર અર્પણ કરીને ભક્તોએ કલ્યાણની પ્રાર્થના કરી હતી. પ્રાતઃ આરતી દરમિયાન ભક્તો ભક્તિભાવમાં તરબોળ બની ગયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

સોમનાથ ઉપરાંત રાજ્યભરના શિવાલયોમાં પણ ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો છે. ગોંડલ સ્થિત મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ભસ્મ આરતીમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહેસાણા અને ભાવનગરના વિવિધ શિવમંદિરોમાં પણ વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. દરેક સ્થળે ‘ઓમ નમઃ શિવાય’ના જાપ સાથે ભક્તોએ ઉપવાસ, જાગરણ અને ભજન-કીર્તન કરીને મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.