ઘરના અન્ય ભાગોની સરખામણીએ રસોડ ની સફાઈ સૌથી વધુ અઘરી માનવામાં આવે છે. રસોડામાં રોજ બનતી રસોઈના કારણે ઉડતું તેલ, ગ્રીસ અને વરાળ સીધી છત પર અને ત્યાં લાગેલી લાઈટો પર જમા થાય છે. પરિણામે લાઇટો અત્યંત ચીકણી થઈ જાય છે અને રસોડામાં અંધારું કે ઝાંખો પ્રકાશ ફેલાય છે. શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાના ડરથી લોકો તેને સાફ કરવાનું ટાળે છે, પરંતુ કેટલીક સરળ અને ઘરગથ્થુ ટિપ્સથી તમે તેને મિનિટોમાં નવી જેવી ચમકાવી શકો છો.સફાઈ કરતાં પહેલાં 'સુરક્ષા' છે સૌથી મહત્વની વીજળીના કોઈ પણ ઉપકરણને અડતાં પહેલાં સાવધાની રાખવી અનિવાર્ય છે. અકસ્માતથી બચવા માટે નીચેના પગલાં અવશ્ય લો
પાવર સપ્લાય બંધ કરો:- સફાઈ શરૂ કરતાં પહેલાં લાઈટની સ્વીચ અને મુખ્ય પાવર સપ્લાય (મેઈન સ્વીચ) ને સંપૂર્ણપણે બંધ કરી દો.
બલ્બને ઠંડો થવા દો:- લાઈટ બંધ કર્યા પછી બલ્બ કે ટ્યુબલાઇટને 10 થી 15 મિનિટ સુધી ઠંડી થવા દો. ગરમ કાચ પર ભીનું કપડું અડાડવાથી કાચ તૂટી જવાનું જોખમ રહે છે.
પગની સુરક્ષા:- સફાઈ કરતી વખતે પગમાં રબરના ચંપલ અચૂક પહેરી રાખો.
લીંબુ અને બેકિંગ સોડાનો પાવરફુલ પ્રયોગ
જો ટ્યુબલાઇટ કે એલઇડી બલ્બ પર તેલની જાડી અને જિદ્દી પરત જામી ગઈ હોય, તો લીંબુ અને બેકિંગ સોડાનું મિશ્રણ રામબાણ ઈલાજ છે.
બનાવવાની રીત
બે ચમચી બેકિંગ સોડામાં થોડો લીંબુનો રસ ઉમેરી ઘટ્ટ પેસ્ટ (ધૂળ જેવું પ્રવાહી) તૈયાર કરો. ગુનગુના પાણી સાથેનું આ મિશ્રણ ગ્રીસને તરત જ ઓગાળી નાખે છે.
ઉપયોગ:- આ પેસ્ટને લાઈટના ચીકણા ભાગ પર લગાવી બે મિનિટ માટે છોડી દો. ત્યારબાદ હળવા ભીના માઇક્રોફાઇબર કપડાથી તેને સાફ કરી લો. ધ્યાન રાખવું કે આ પેસ્ટ હોલ્ડર કે વાયરિંગની અંદર ન જવી જોઈએ.
સફેદ વિનેગર (સિરકા) થી મિનિટોમાં ગાયબ થશે ચીકાશ
રસોડાની લાઈટોની ખોવાયેલી ચમક પાછી લાવવા માટે સફેદ વિનેગર એક ઉત્તમ અને સરળ વિકલ્પ છે
ઉપયોગની રીત:- અડધા કપ પાણીમાં 2 થી ૩ ચમચી વિનેગર મિક્સ કરો. હવે આ મિશ્રણમાં એક સાફ સૂતી કાપડ (કોટન ક્લોથ) ડુબાડીને તેને બરાબર નીચોવી લો, જેથી તેમાં વધારાનું પાણી ન રહે.
ફાયદો:- આ હળવા ભેજવાળા કપડાથી ટ્યુબલાઇટને હળવા હાથે લૂછી લો. વિનેગરમાં રહેલા એસિડિક ગુણો તેલ અને ચીકાશને ઘસ્યા વગર જ ત્વરિત સાફ કરી દે છે.સફાઈ પછી આ ભૂલ ક્યારેય ન કરશો
ઘણા લોકો લાઈટ સાફ કર્યા પછી તરત જ તેને ચાલુ કરીને ચેક કરવા લાગે છે, જે ખૂબ જ જોખમી છે. સફાઈ પૂર્ણ થયા પછી બલ્બ, ટ્યુબલાઇટ અને હોલ્ડરને સુકાવા માટે ઓછામાં ઓછી 15 મિનિટનો સમય આપો. કેબિન કે હોલ્ડર સંપૂર્ણ સુકાઈ જાય ત્યાર બાદ જ સ્વીચ ઓન કરો, જેથી શોર્ટ સર્કિટના ભય વગર તમને નવો અને બમણો પ્રકાશ મળી શકે.