જામનગરના બેડી ઇદ મસ્જીદ રોડ વિસ્તારમાં ગઇકાલે રાત્રીના બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં ઢીકાપાટુનો માર મારી ધમકી દીધાની સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રેમલગ્ન અને ઝઘડા કરતા હોય વચ્ચે પડતા બબાલ થયાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે. ગઇકાલે રાત્રે આ માથાકુટનો એક વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો હતો દરમ્યાન બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી. બંને પક્ષની ફરીયાદ નોંધીને તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના બેડી ઇદ મસ્જીદ રોડ પર રહેતા કલર કામ કરતા અસલમ અબ્દુલભાઇ ઘુમરા (ઉ.વ.૩૧) નામના યુવાને ગઇ મોડી રાત્રીના સીટી-બી ડીવીઝનમાં બેડીમાં રહેતા મુસ્તાક હાન માણેક, કરાર આદમ માણેક તથા અહેમદ હાન માણેક નામના ૩ ઇસમ વિરુઘ્ધ બીએનએસ ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી છે.

વિગત મુજબ ગઇકાલે રાત્રે ફરીયાદી અસલમભાઇ પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓ ત્યાં ઘસી આવ્યા હતા અને ફરીયાદીનો ભાઇ સમીર આરોપીના પરિવારની પુત્રી સાથે પ્રેમલગ્ન કરેલ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી.
સામા પક્ષે બેડી શેરરજા ચોક ખાતે રહેતા વેલ્ડીંગ કામ કરતા આમદ કાદરભાઇ માણેક (ઉ.વ.૪૫)એ મોડી રાત્રીના વળતી ફરીયાદ બેડી ઇદ મસ્જીદ પાસે રહેતા કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી અને અસલમ ખત્રીની વિરુઘ્ધ બીએનએસ ૨૦૨૩ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી છે.

જેમા જણાવ્યુ હતું કે, ફરીયાદીના દીકરા સાદાબ તેના ઘર બાજુ મોટરસાયકલ લઇને આવતો હતો ત્યારે તેના કાકા કરાર માણેક સાથે ઉપરોકત ચારેય આરોપીઓ ઝઘડો કરતા જેથી ફરીયાદીનો દિકરો તેમની વચ્ચે પડતા આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને અપશબ્દો કહયા હતા, ફરીયાદીના દિકરાને આંખની ઉપરના ભાગે ઇજા થતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયો હતો, દરમ્યાન ફરીયાદીના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.
બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગઇકાલે રાત્રે બેડી વિસ્તારમાં માથાકુટ થયાનો વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો હતો જેમાં ભારે દેકારો અને મારામારી તથા પથ્થરો ઉડયા હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા, દરમ્યાન બનાવ સ્થળે પોલીસની ટુકડી દોડી આવી હતી જયારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.