ઘર, દુકાન કે ઓફિસની બહાર રોડ ઉપર વાહન પાર્ક કરી શકાશે નહીં તમારું વાહન તમારા એપાર્ટમેન્ટ, કૉમ્પ્લેક્સ કે ઘરમાં રાખવાનું હોય છે. શેરી કે જાહેર માર્ગ ઉપર નહીં. પાર્કિંગ માટેનો આ કાયદો અને નિયમો અસ્તિત્વમાં છે જ પરંતુ તેનો અમલ થતો નથી, દરમિયાન અમદાવાદમાં મહાપાલિકા દ્વારા આજથી પાર્કિંગના આ નિયમો કડક અમલ શરૂ કરાયો છે. શેરી કે રોડ ઉપર વાહન પાર્ક કરનારના વાહન લોક કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં પણ આ જ નિયમો લાગુ પડે છે અને આ માટેની પાર્કિંગ પોલિસી પણ મંજૂર થયેલી છે પરંતુ તેનો અમલ થતો ન હોય રાજકોટની શેરીઓ અને મેઈન રોડ ઉપર વાહનના ખડકલા નજરે પડે છે.
વિશેષમાં પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં કૉમ્પ્લેક્સ કે એપાર્ટમેન્ટની બહાર રોડ પર વાહન પાર્ક કરતા વાહનચાલકોના વાહનો લોક કરવાનું આજથી શરૂ કરાયું છે. અમદાવાદમાં હવે બિલ્ડિંગ-કોમ્પ્લેક્સના પાર્કિગમાં જ વાહન પાર્ક કરવુ પડશે, એટલું જ નહીં બિલ્ડિંગ કે કોમ્પ્લેક્સ બહાર સામાન પણ રાખી શકાશે નહીં. રોડ ઉપર થતા ગેરકાયદેસર પાર્કિંગને લઇને અમદાવાદ મહાપાલિકાએ નિયમોની કડક અમલવારી શરૂ કરાવી છે. ખાસ કરીને શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો, રહેણાંક વિસ્તારોમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. એપાર્ટમેન્ટના રહીશ બિલ્ડિંગની બહારના રોડ પર પણ વાહન પાર્ક કરી શકશે નહીં.