BREAKING NEWS

ગુજરાત ATSની મોટી સફળતા: પંજાબના ફાયરિંગ કેસનો વોન્ટેડ આરોપી પાલનપુરની હોટલમાંથી ઝડપાયો, જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ સાથે કનેક્શન છતું થયું

  • August 25, 2026 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને એક મોટી સફળતા સાંપડી છે. પંજાબમાં થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં લાંબા સમયથી ફરાર અને વોન્ટેડ આરોપીને ગુજરાત ATSએ પાલનપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, ATSની ટીમે બાતમીના આધારે પાલનપુર સ્થિત 'હોટલ સુંદરા'માં દરોડો પાડીને સુખવિન્દર સિંહ ઉર્ફે સુખી નામના આ ખતરનાક આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે પંજાબના બટાલા જિલ્લામાં ગંભીર ગુનો નોંધાયેલો હતો.

ATS દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપી સુખવિન્દર સિંહ પંજાબની કુખ્યાત 'જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ' સાથે સક્રિય રીતે સંકળાયેલો હોવાનું ખુલ્યું છે. તેણે કબૂલાત કરી છે કે ગત 20મી જુલાઈના રોજ તેણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને ફાયરિંગનું કાવતરું ઘડ્યું હતું. ફરિયાદી હરદીપસિંહના શેલર નજીક આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેના પછી તે પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો.

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પંજાબમાં જ અલગ-અલગ સ્થળોએ છુપાયો હતો. ત્યારબાદ તે દિલ્હી, હૈદરાબાદ અને નાંદેડ થઈને પોલીસને ચકમો આપી ગુજરાત આવી પહોંચ્યો હતો. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર રહ્યો છે. તેની સામે અગાઉ પણ હત્યા, હત્યાનો પ્રયાસ, ડ્રગ્સની તસ્કરી તેમજ આર્મ્સ એક્ટ જેવા અનેક સંગીન ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં ગુજરાત ATS દ્વારા આરોપીની કાનૂની અટકાયત કરીને તેને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application