કચ્છના દરિયાઈ માર્ગેથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ), ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં આ મોટી સફળતા મળી છે. સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે કચ્છના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ જહાજને આંતરીને તેની તપાસ કરાતા તેમાંથી આશરે ૨૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે.
સુરક્ષા દળોએ ડ્રગ્સના જથ્થા સાથે જહાજમાં સવાર કેટલાક શકમંદ શખ્સોની પણ અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો અનુસાર, નશીલા પદાર્થોનો આ વિશાળ જથ્થો યુરોપથી ભારતમાં ઘુસાડવા માટે લાવવામાં આવી રહ્યો હતો. પકડાયેલા તમામ શકમંદોની હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ ડ્રગ્સ નેટવર્ક પાછળ કોનો હાથ છે તેની વિગતો મેળવી શકાય. આ જથ્થો વિદેશમાંથી કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને ગુજરાત કે ભારતના કયા સ્થાનિક ડ્રગ માફિયાએ આ ઓર્ડર આપ્યો હતો, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
ગુજરાતનો લાંબો દરિયા કિનારો અવારનવાર ડ્રગ્સની હેરાફેરી માટે સંવેદનશીલ સાબિત થતો રહ્યો છે, પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્મગલરોનો વધુ એક મોટો મનસૂબો નાકામ થયો છે. દરિયાઈ માર્ગે થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે કોસ્ટગાર્ડ અને એટીએસ સતત નજર રાખી રહ્યા છે. આ સમગ્ર હાઈ-પ્રોફાઈલ કેસ અંગે અને ઓપરેશનની વિગતવાર માહિતી આપવા માટે ગુજરાત એટીએસ દ્વારા બપોરે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી શકે છે, જેમાં ડ્રગ્સના પ્રકાર, ચોક્કસ વજન અને પકડાયેલા આરોપીઓ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
તાજેતરમાં જ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન હરામીનાળા કે સરહદી ક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 11 પેકેટ જપ્ત કર્યા હતા. કચ્છના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહેતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
છેલ્લા ઘણા સમયથી કચ્છના દરિયાકાંઠે અને ક્રીક સેક્ટરમાંથી સતત ચરસ અને હેરોઈન જેવા માદક પદાર્થોના પેકેટો મળી રહ્યા છે, જેને પગલે તમામ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. પાકિસ્તાન તરફથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા માફિયાઓ ભારતમાં આ જથ્થો પધરાવવા ફિરાકમાં હોય છે. આ ઘટના બાદ બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક મરીન પોલીસે સમગ્ર દરિયાઈ પટ્ટી પર રાઉન્ડ ધ ક્લોક સઘન સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ વધુ તેજ કરી દીધું છે.