BREAKING NEWS

રાજ્યમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ: GIDC એમ્નેસ્ટી યોજના હેઠળ MSME ઉદ્યોગોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની મોટી રાહત

  • September 01, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'ને વધુ સુદ્રઢ બનાવવા અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જીઆઈડીસી (GIDC) ના પ્લોટ ધારકો અને એસોસિએશનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો સંવેદનશીલ પ્રતિસાદ આપતાં રાજ્ય સરકારે 'GIDC એમ્નેસ્ટી યોજના' અમલી બનાવવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પાત્ર MSME ઉદ્યોગોને જૂના બાકી સ્ટેમ્પ ડ્યુટીના કેસોમાં 80 ટકા સુધીની જંગી રાહત આપવામાં આવશે, જેનાથી ઉદ્યોગકારો પરથી ભારે દંડ અને પેનલ્ટીનું ભારણ દૂર થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઉદ્યોગકારોને રાહત, સરકારી પ્રક્રિયામાં સરળતા અને ઔદ્યોગિક વિકાસને વેગના અભિગમ સાથે રાજ્ય સરકાર ઉદ્યોગ ક્ષેત્ર માટે સરળ, પારદર્શક અને વિકાસલક્ષી વહિવટ માટે સતત કાર્યરત છે. GIDCના પ્લોટ ધારકો દ્વારા ઔદ્યોગિક પ્લોટ કે શેડની ફેરબદલી સમયે પક્ષકારોને રજિસ્ટર્ડ લીઝ ડીડ કરી આપવાને બદલે માત્ર એલોટમેન્ટ લેટર કે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ આપવામાં આવે છે. આથી અગાઉના પ્લોટ ધારકો દ્વારા મોટાભાગે સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવેલ નથી. 

રાજ્ય સરકારે તા.૦૨/૦૪/’૨૫થી ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ માં સંકલિત સુધારા કર્યા છે. તે અંતર્ગત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ-૩૯ (૧)(ખ) માં થયેલ સુધારા મુજબ, પક્ષકાર લેખ ઉપર યોગ્ય ડ્યુટી/ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવા માટે અસલ લેખ – સ્વેચ્છાએ રજૂ કરે, તો લેખ સહી થયા તારીખથી પ્રત્યેક માસ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ૨% સાદા વ્યાજની રકમ લેખે, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ચાર ગણાથી વધુ ન હોય તેટલા દંડની રકમ તથા જો સરકારી તંત્ર દ્વારા તપાસ કરી લેખ જપ્ત કરવામાં આવેલ હોય, તો લેખ સહી થયા તારીખથી પ્રત્યેક માસ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ૩% સાદા વ્યાજની રકમ લેખે, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના છ ગણાથી વધુ ન હોય તેટલા દંડની રકમ વસૂલવાની જોગવાઈ તા.૧૦/૦૪/’૨૫થી રાજ્યમાં અમલી બની છે.  આના પરિણામે જ્યારે વર્તમાન માલિકને લોન કે અન્ય જરૂરિયાત માટે લીઝ ડીડ કરવાની થાય, ત્યારે અગાઉના તમામ વ્યવહારોની ખૂટતી ડ્યુટી અસહ્ય દંડ સાથે ભરવાનું ભારણ તેમના પર આવે છે. 


આ સંદર્ભમાં રાજ્યના ઉદ્યોગકારો અને GIDC એસોસિએશન્સ તરફથી મળેલી રજુઆતોનો સંવેદનાપૂર્વક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GIDCના ઔદ્યોગિક પ્લોટના અગાઉના તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ટ્યુટી અને તેના પર લાગતી પેનલ્ટીના બોજમાંથી પાત્ર MSME ઉદ્યોગોને રાહત આપવા GIDC એમ્નેસ્ટી સ્કીમ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. આ યોજનાના પરિણામે જુના વ્યવહારોના કારણે હાલના પ્લોટ ધારકો ઉપર આવી પડેલું ભારે સ્ટેમ્પ ડ્યુટી તેમજ પેનલ્ટીનું ભારણ હળવું થશે. 

GIDC એન્મેસ્ટી સ્કીમ શું છે?
GIDCના પ્લોટ ધારકો દ્વારા ભૂતકાળમાં ઔદ્યોગિક પ્લોટ અથવા શેડની ફાળવણી વખતે અનેક કિસ્સાઓમાં રજિસ્ટર્ડ દસ્તાવેજના બદલે એલોટમેન્ટ લેટર, સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ વગેરે દસ્તાવેજો કરવામાં આવ્યા હતા. પરિણામે અગાઉના તબક્કાના કેટલાક વ્યવહારોમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થઈ શકી ન હતી. આવા જૂના વ્યવહારોમાં હાલના માલિકને લીઝ ડીડ અથવા અન્ય જરૂરી દસ્તાવેજની નોંધણી કરાવતી વખતે અગાઉના વ્યવહારોની બાકી સ્ટેમ્પ ડ્યુટી તેમજ ભારે દંડ ભરવાનો પ્રશ્ન ઊભો થતો હતો. આ સંદર્ભમાં ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનો તરફથી રાજ્ય સરકારને મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને આ પ્રશ્નના વ્યવહારુ ઉકેલ માટે એમ્નેસ્ટી યોજના શરૂ કરવામાં આવશે.


MSME ઉદ્યોગકારોને મળશે ૮૦% સુધીની સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત
આ યોજના મુજબ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી ૮૦% સુધીની રકમ માફ કરીને માત્ર ૨૦% સ્ટેમ્પ ડ્યુટી તથા લાગુ પડતી પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ છે. પરંતુ, જ્યાં ૨૦% સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતા ઓછી થતી હોય તેવા કિસ્સામાં મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલ થાય તે રીતે રાહતનો લાભ આપવામાં આવશે. ભૂતકાળના વ્યવહારોના કારણે વર્તમાન પ્લોટધારકો ઉપર પડતા મોટા નાણાકીય ભારણમાં આના પરિણામે નોંધપાત્ર ઘટાડો થશે.


કોને લાભ મળશે?
એમ્નેસ્ટી સ્કીમનો લાભ મુખ્યત્વે MSME પ્રકારના ઉદ્યોગો, એટલે કે માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા એકમોને આપવાનો પ્રસ્તાવ છે. આ યોજના હેઠળ તા. ૩૦ જૂન, ૨૦૨૫ સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા/પેટા ભાડાપટ્ટા તથા મિલકતની તબદીલી સંબંધિત અન્ય પાત્ર વ્યવહારોનો સમાવેશ કરાશે.


નોંધણી ફરજિયાત રહેશે
આવી રાહતનો લાભ મેળવનારા વર્તમાન ફાળવણીદારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટી તથા પેનલ્ટીની રકમ ભરવાની રહેશે અને સંબંધિત મિલકતની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. આથી, એક તરફ ઉદ્યોગકારોને નાણાંકીય રાહત મળશે અને બીજી તરફ મિલકતના વ્યવહારોની કાયદેસર તથા પારદર્શક નોંધણી વ્યવસ્થામાં લાવવામાં મદદ મળશે.

અપીલ અને કોર્ટ કેસોમાં પણ ઉકેલની તક
GIDC સંબંધિત સ્ટેમ્પ ડ્યુટીના કિસ્સાઓમાં જ્યાં સક્ષમ સત્તા સમક્ષ અપીલ કરવામાં આવી હોય અને નિયમ મુજબ ૨૫% રકમ જમા કરાવવામાં આવી હોય, તેવા પાત્ર કિસ્સાઓમાં નિર્ધારિત શરતોને આધીન આ યોજનાનો લાભ મળી શકશે. તે જ રીતે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હોય તેવા કિસ્સાઓમાં, પિટિશન પરત ખેંચવાની શરતે પાત્રતા મુજબ યોજનાનો લાભ મેળવવાની જોગવાઈનો પ્રસ્તાવ છે.

૧ જાન્યુઆરી, ૨૦૧૮ પૂર્વેના વ્યવહારો માટે પણ વિશેષ રાહત
તા. ૦૧/૦૧/૨૦૧૮ પહેલાં થયેલી તબદીલીઓના કિસ્સામાં અગાઉની તબદીલીઓ પૈકી છેલ્લી તબદીલીના લેખ ઉપર નક્કી થતી બજાર કિંમતને આધારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦% રાહત આપીને બાકીની ૨૦% ડ્યુટી તથા લાગુ પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ છે. એટલું જ નહિ, તા. ૦૧/૦૧/૨૦૧૮ કે ત્યારબાદ થયેલી તબદીલીઓના સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાપાત્ર થતી હોય તેવા તમામ કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી ૮૦% રાહત આપીને ૨૦% ડ્યુટી તથા લાગુ પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ આ યોજનામાં છે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે કરેલી આ પહેલથી જૂના બાકી વ્યવહારોના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓનો વ્યવહારુ ઉકેલ લાવવામાં મદદ મળશે. ઉદ્યોગકારોને નાણાકીય રાહત મળવાની સાથે લાંબા સમયથી બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત પણ ઝડપી બની શકશે. સાથો સાથ મિલકતના વ્યવહારોની કાયદેસરની નોંધણી થવાથી વ્યવહારોમાં પારદર્શિતા અને નિયમિતતા વધશે તથા રાજ્યમાં નવા ઉદ્યોગો સ્થાપવા અને વર્તમાન ઉદ્યોગોના વિસ્તરણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application