રાજ્યની સરકારી શાળાઓની શૈક્ષણિક વ્યવસ્થા અને વાસ્તવિક સ્થિતિને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિરોધ અને વીડિયો વાયરલ થવાના મામલા વચ્ચે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અનુસાર, હવે કોઈપણ બહારની વ્યક્તિ કે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સીધા સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી શકશે નહીં. શાળાઓમાં પ્રવેશવા માટે આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી અનિવાર્ય બનાવવામાં આવી છે.
આગામી સમયમાં શાળાઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ જાળવી રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 21 ઓક્ટોબર, 2026 ના રોજ આ સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. નવા નિર્દેશો મુજબ, શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની તસવીરો લેવી, વીડિયો ઉતારવા, ઓડિયો રેકોર્ડિંગ કરવું કે લાઈવ સ્ટ્રીમિંગ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સિવાય કે તેની અગાઉથી લેખિત મંજૂરી લેવામાં આવી હોય. અગાઉ આમ આદમી પાર્ટી (AAP) અને સીજેપી (CJP) સહિતના સંગઠનો દ્વારા શાળાઓમાં અચાનક જઈને ત્યાંની ખરાબ સુવિધાઓના વીડિયો બનાવીને સરકાર સમક્ષ સવાલો ખડા કરવામાં આવતા હતા, જેને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે.
શિક્ષક સંઘ દ્વારા અગાઉ પત્ર લખીને શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી, જેના આધારે શિક્ષણ વિભાગે આ 9 કડક નિયમો ઘડ્યા છે. નવા નિયમો મુજબ, કોઈપણ બાહ્ય વ્યક્તિએ શાળામાં પ્રવેશવા માટે આચાર્યની મંજૂરી લેવી પડશે અને વિઝિટર રજિસ્ટરમાં પોતાની તમામ વિગતો ફરજિયાત નોંધાવવાની રહેશે. માત્ર સત્તાવાર ફરજ પરના સરકારી અધિકારીઓને જ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જો કોઈ પણ વ્યક્તિ મંજૂરી વગર શાળામાં પ્રવેશ કરશે, વીડિયો બનાવવાનો પ્રયાસ કરશે કે શાળાના શૈક્ષણિક કાર્યમાં અવરોધ ઊભો કરશે, તો આચાર્ય તાત્કાલિક સ્થાનિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરશે. તેમજ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. શાળાના આચાર્યોને પણ અધિકાર આપવામાં આવ્યો છે કે જો કોઈ મુલાકાતીથી શાળાની સુરક્ષા કે ગોપનીયતા જોખમાતી જણાશે તો તેઓ પ્રવેશ નકારવા માટે સક્ષમ રહેશે.