વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવા સંબંધિત કેસમાં આહ્વાન આપનારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી વધુ એક મોટો આંચકો લાગ્યો છે. હાઇકોર્ટની ડબલ જજની બેન્ચે કેજરીવાલ દ્વારા સિંગલ જજના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે અરવિંદ કેજરીવાલ પર ફટકારવામાં આવેલો રૂ. ૨૫,૦૦૦નો કોસ્ટ (દંડ) પણ યથાવત રાખ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જેમાં અરવિંદ કેજરીવાલને પણ એક પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા. હાઇકોર્ટના સિંગલ જજે યુનિવર્સિટીની અરજી ગ્રાહ્ય રાખી સીઆઈસીના આદેશને રદ કર્યો હતો અને કેજરીવાલ પર રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
સિંગલ જજના આ નિર્ણય સામે કેજરીવાલે પ્રથમ રિવ્યૂ અરજી કરી હતી, જેને પણ સિંગલ જજે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. આ અપીલ પર તમામ પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે સત્તાવાર રીતે જાહેર કરીને અપીલને ફગાવી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વની સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અત્યંત મહત્ત્વની ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું હતું કે, યોગ્ય કાનૂની કાર્યવાહી કે પ્રક્રિયા અનુસર્યા વિના યુનિવર્સિટી કોઈ પણ વ્યક્તિની ખાનગી કે અંગત માહિતી જાહેર કરી શકે નહીં. હાઇકોર્ટે ઉમેર્યું હતું કે આ સમગ્ર મામલે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને (CIC) વધુ ડહાપણપૂર્વક અને જવાબદારીપૂર્વક વર્તવાની જરૂર હતી.