ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” હાથ ધર્યુ છે. આ અભિયાનનાં પ્રથમ 14 દિવસમાં જ સમગ્ર રાજ્યમાંથી 84 બાળકમજૂરોને મુક્ત કરવામાં આવ્યાં છે તેમને મજૂરીએ રાખી ગુનો આચરતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 26 આરોપીઓ સામે 16 કેસો કરવામાં આવ્યા છે.
આ અભિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે, દરેક બાળક શાળામાં હોવું જોઈએ, કોઈપણ બાળક મજુરી કરતું ન હોવું જોઇએ. આ અભિયાન અંતર્ગત, પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક વિસ્તારો, વેપાર સંસ્થાઓ અને બાળ મજુરો રાખતા હોય તેવા એકમો પર દરોડા પાડવામાં આવે છે અને જ્યાં બાળમજૂરો મળે છે ત્યાંથી તેમને મુક્ત કરી આરોપીઓ સામે ગુના દાખલ કરવામાં આવે છે.
બાળકોને શોષણમાંથી મુક્ત કરાવ્યાં: નવી જિંદગીની શરૂઆત
થોડા દિવસ પહેલા, સુરત શહેરનાં કામરેજ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓને મળેલી બાતમીનાં આધારે જય અંબે ટેક્સટાઇલ્સ નામના કારખાનામાં દરોડા પાડ્યા. પોલીસે અહીંથી બે બાળકોને મુક્ત કરાવ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, કારખાનાનો માલિક આ બાળકોને રોજ માત્ર રૂ.200 જેટલું વેતન આપતો હતો. એટલુ જ નહીં, જો બાળકો કામ કરવાની ના પાડે, તો તેમની સાથે બળજબરી કરતો હતો.
આ બાળકો પાસે સવારે 8:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા કામ કરાવવામાં આવતુ. માત્ર એક કલાકનો જ જમવાનો વિરામ આપવામાં આવતો. બાળકોને શારીરિક, માનસિક અને આર્થિક શોષણ સહન કરવું પડતું હતું. પોલીસે આ માસુમ બાળકોનું રેસક્યૂ કરીને તેમનું પુનર્વસન કર્યુ. આ બાળકો ફરીથી શાળાએ જાય તે માટે વ્યવસ્થા કરી. માસુમ બાળકોને મજુરીએ રાખનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.
મુક્તિથી પુનર્વસન સુધીની પ્રક્રિયા
રાજ્ય પોલીસ વડા (ડીજીપી) જી.એસ મલિકે જણાવ્યું કે, આ અભિયાન માત્ર રેડ પાડવા પુરતુ સીમિત નથી. પરંતુ મુક્ત કરવામાં આવેલા બાળકોનું પુનર્વસન કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં તેમને નવી જિંદગી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જી.એસ. મલિકે વધુમાં જણાવ્યું કે, “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ હેઠળ અત્યાર સુધી 84 બાળમજૂરોને મુક્ત (રેસ્ક્યૂ) કરવામાં આવ્યા છે. 16 ગુનાઓ દાખલ કરી 26 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ 67 બાળકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે.રાજ્યભરમાં 160 જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.”
બાળ મજુરો રાખતા ઔદ્યોગિક એકમો પર નજર
ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ(મહિલા સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) અજય ચૌધરીએ જણાવ્યું કે, બાળમજૂરીના કિસ્સાઓ ટેક્સટાઇલ યુનિટો, હોટેલો, રાઇસ મિલો અને નાના ઉદ્યોગોમાંથી મળી રહ્યાં છે. મજુરીમાંથી મુક્ત કરવામાં આવેલા ઘણા બાળકો બિહાર અને રાજસ્થાનથી લાવવામાં આવ્યા છે. પોલાસ આવા કિસ્સાઓમાં સંભવિત ચાઇલ્ડ ટ્રાફિકિંગનાં એન્ગલને પણ તપાસ કરી રહી છે.
માત્ર બાળ મજુરો રાખનારા નહીં પણ સમગ્ર નેટવર્ક સામે પણ કાર્યવાહી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ બાળ મજુરો રાખનારા એકમો કે લોકોની સાથે સાથે બાળમજૂરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને સપ્લાય ચેઇન નેટવર્કને તોડી પાડવા પર ધ્યાન આપવામાં આવશે.
બાળમજૂરી પાછળનાં મૂળ કારણો પર ફોકસ
પ્રાથમિક વિશ્લેષણ મુજબ બાળમજૂરી પાછળ ગરીબી અને સ્થળાંતર જેવી બાબતો જવાબદાર છે. બાળ મજુરો સસ્તા પણ પડે છે. બાળમજુરી અટકાવવા માટે પોલીસ શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરશે અને આ દૂષણને નાબુદ કરવા કામ કરશે.
વ્યાપક સ્તરે રેસ્ક્યૂ અભિયાન
આ અભિયાન હેઠળ ગુજરાત પોલીસ 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. બાળ મજુરો રાખતા વેપારીઓ અને ફેક્ટરી માલિકોને બાળમજૂરી કાયદા અને શિક્ષણના મહત્વ વિશે જાગૃત કરવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.