BREAKING NEWS

પંજાબના ગુનામાં વોન્ટેડ આરોપીઓ માટે ગુજરાત રાજ્ય બન્યું આશ્રયસ્થાન

  • October 15, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબના અનેક મોટા અને ચર્ચાસ્પદ ગુનામાં સંડોવણીના આરોપસર વોન્ટેડ વ્યક્તિઓ માટે ગુજરાત આશ્રયસ્થાન બની રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી લઈને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યા સુધીના કેસમાં સંડોવાયેલા આરોપીઓ ગુજરાતમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે.ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના રેકોર્ડ મુજબ, રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પંજાબ સાથે જોડાયેલા 11 કેસમાં વોન્ટેડ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં હત્યા, રાજકીય હત્યા, હથિયારો અને ગ્રેનેડની સપ્લાય તેમજ આતંકવાદ સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે.અહેવાલ મુજબ, ગુજરાતમાં પકડાયેલા આરોપીઓનાં નામ પંજાબના કેટલાક મોટા ગુનાના કેસ સાથે જોડાયાં છે. તેમાં મે 2022માં થયેલી પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો કેસ, જુલાઈ 2024માં જનનાયક જનતા પાર્ટીના નેતાની રાજકીય હત્યાનો કેસ, માર્ચ 2025માં અમૃતસર હત્યાકાંડના શંકાસ્પદ આરોપીઓનો કેસ, સપ્ટેમ્બર 2025માં ભિવાની કોર્ટમાં થયેલી હત્યાનો કેસ અને ઓક્ટોબર 2026માં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યાનો કેસ સામેલ છે.પોલીસ તપાસમાં કચ્છ, ભરૂચ, નડિયાદ, મહેસાણા, હાલોલ, જામનગર, અમદાવાદ, ડીસા, પાલનપુર અને વાપી સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં આરોપીઓ મળી આવ્યા હતા. તેમાંથી કેટલાક ઔદ્યોગિક એકમોમાં મજૂર, હેલ્પર અથવા ફેક્ટરી કામદાર તરીકે કામ કરતા હતા.અન્ય કેટલાક આરોપીઓને તેમના વતનના સંપર્કો મારફતે આશ્રય અને અન્ય જરૂરી મદદ પૂરી પાડવામાં આવી હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે. આ રીતે તેઓ પોલીસથી બચવા માટે ગુજરાતમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે.આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 ઓક્ટોબરે પરમિન્દર પ્રસાદ ઉર્ફે પરમિન્દર કાકાની ધરપકડ કરી હતી. મેડ સંધુ હત્યા કેસમાં તે કથિત શૂટર હોવાનો આરોપ છે. આ ધરપકડ બાદ ગુજરાતમાં છુપાયેલા અન્ય આરોપીઓ અને તેમને મદદ કરનાર વ્યક્તિઓ અંગેની તપાસ પણ મહત્ત્વપૂર્ણ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application