આશિષ નેહરા ભલે મેદાન પર બેટ કે બોલ લઈને ન ઉતરતા હોય, પરંતુ તેમની કોચિંગ ફી અને અન્ય બિઝનેસ દ્વારા થતી કમાણી જાણીને તમે પણ ચોંકી જશો. હાલમાં તેમની કુલ નેટવર્થ અંદાજે 71 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.
IPL માંથી કેટલી મળે છે ફી?
ગુજરાત ટાઈટન્સ માટે જીતની રણનીતિ તૈયાર કરવા બદલ આશિષ નેહરાને એક સીઝનના 3.5 કરોડ રૂપિયા મહેનતાણું મળે છે. જોકે, તેમની કુલ સંપત્તિ માત્ર આ ફી સુધી સીમિત નથી. નેહરા અન્ય ખેલાડીઓની જેમ સોશિયલ મીડિયા કે જાહેરાતોમાં વધુ સક્રિય નથી, તેમ છતાં તેમની કમાણીનો આંકડો ઘણો મોટો છે.
નેહરાના સફળ બિઝનેસ મોડલ્સ
કોચિંગ સિવાય આશિષ નેહરાએ અનેક સ્માર્ટ બિઝનેસમાં રોકાણ કર્યું છે, જે તેમને દર વર્ષે કરોડોની કમાણી કરી આપે છે:
ક્રિકેટ એકેડમી: નેહરાએ પોતાના નામે ક્રિકેટ એકેડમી શરૂ કરી છે, જેનું પ્રથમ સેન્ટર નોઈડામાં ખોલવામાં આવ્યું હતું. મોટા શહેરોમાં તેની ફી 4500 થી 5200 રૂપિયા છે, જ્યારે નાના શહેરોમાં તે 1600 થી 2800 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. આ એકેડમીનો પ્લાન ઘણો સફળ રહ્યો છે.
હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ: નેહરા અને તેમના પરિવારે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે. દિલ્હીમાં તેમના બે લક્ઝરી રેસ્ટોરન્ટ્સ છે. આઈપીએલ સીઝન દરમિયાન આ રેસ્ટોરન્ટ્સમાં ખાસ 'આઈપીએલ ડિનર' પણ હોસ્ટ કરવામાં આવે છે, જે તેમની કમાણીનો મોટો સ્ત્રોત છે.
કુલ કમાણી અને નેટવર્થ
ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આઈપીએલ ફી, ક્રિકેટ એકેડમી અને રેસ્ટોરન્ટ બિઝનેસ જેવા વિવિધ સ્ત્રોતો દ્વારા આશિષ નેહરાની વાર્ષિક કુલ કમાણી અને નેટવર્થ અંદાજે 71 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.