BREAKING NEWS

પવન ઊર્જામાં 16,086 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત બન્યું દેશનું નંબર વન રાજ્ય

  • July 29, 2026 04:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
30 જૂન, 2026ના આંકડા મુજબ, ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ સુધી પહોંચી છે, જે દેશના તમામ રાજ્યોમાં સર્વાધિક છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યએ પવન ઊર્જામાંથી 33,706 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઊર્જા ઉત્પાદનના લગભગ એક-તૃતીયાંશ જેટલું છે. દેશમાં પવન ઊર્જાના વિકાસને નવી દિશા આપવામાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. ભારતની કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 57,443 મેગાવોટ સુધી પહોંચી છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન તેનું વાર્ષિક વીજ ઉત્પાદન વધીને 106 અબજ યુનિટ થયું છે. આ રાષ્ટ્રીય સિદ્ધિમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, જે ટકાઉ વિકાસ, ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આબોહવા પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50 ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો સંકલ્પ કર્યો છે. આ રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવામાં ગુજરાતે પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્ય તરીકે સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ, રોકાણકારોને અનુકૂળ ઇકોસિસ્ટમ અને પ્રગતિશીલ નીતિઓના અસરકારક અમલના પરિણામે રાજ્ય આજે નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે.

નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ અને નીતિગત સુધારાઓ અમલમાં મૂક્યા છે. ગ્રીન એનર્જી કોરિડોર યોજના હેઠળ નવી ટ્રાન્સમિશન લાઇનો અને સબસ્ટેશનોના વિકાસથી નવીનીકરણીય ઊર્જાના કાર્યક્ષમ વીજ પરિવહન માટેનું માળખું મજબૂત બન્યું છે. ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ચાર્જમાં આપવામાં આવેલી રાહતથી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે, જ્યારે 'નેશનલ રીપાવરિંગ એન્ડ લાઇફ એક્સ્ટેન્શન પોલિસી ફોર વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ-2023' દ્વારા હાલના પવન ઊર્જા પ્રોજેક્ટ્સના આધુનિકીકરણને પ્રોત્સાહન મળ્યું છે. આ ઉપરાંત, 'ઓફશોર વિન્ડ એનર્જી લીઝ રૂલ્સ-2023' અને ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ માટેની વાયબિલિટી ગેપ ફંડિંગ યોજનાના અમલથી ઓફશોર વિન્ડ એનર્જી ક્ષેત્રના વિસ્તરણ માટે નવી તકો ઊભી થઈ છે. કેન્દ્ર સરકારની આ નીતિઓના અસરકારક અમલ સાથે ગુજરાતે પવન ઊર્જાને રાજ્યના વીજ ગ્રીડમાં સફળતાપૂર્વક એકીકૃત કરી છે. એટલું જ નહીં, ભારતમાં પવન ઊર્જા ક્ષેત્રે પ્રથમ પવન ઊર્જા નીતિ અમલમાં મૂકનાર રાજ્ય તરીકે આ ક્ષેત્રના વિકાસમાં અગ્રણી યોગદાન આપ્યું છે. ઇનોવેશનને પ્રોત્સાહન આપતી પહેલો અને રોકાણકારોને અનુકૂળ નીતિઓના પરિણામે રાજ્યમાં નવીનીકરણીય ઊર્જાના વિકાસ માટે મજબૂત ઇકોસિસ્ટમ વિકસી છે. પરિણામે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં સતત વધારો થયો છે તેમજ વીજ ઉત્પાદનમાં પણ નવા કીર્તિમાનો સ્થાપિત થયા છે. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાતનું મૉડલ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application