રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારોની સિઝનમાં સામાન્ય નાગરિકો માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઘરેલુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. કંપનીએ PNGના ભાવમાં પ્રતિ એસસીએમ (SCM) ₹6.53નો વધારો ઝીંકી દેતા મધ્યમ વર્ગ અને ગૃહિણીઓના માસિક બજેટ પર સીધો વધારાનો બોજ પડવાની શક્યતા છે.
નવા ભાવ વધારા અનુસાર, હવેથી ગુજરાત ગેસના તમામ ઘરેલુ ગ્રાહકોને ટેક્સ સહિત પ્રતિ SCM ₹53.22 ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, આ વધારા અગાઉ ગ્રાહકોને ટેક્સ વગર PNGનો ભાવ પ્રતિ SCM ₹46.69 આસપાસ પડતો હતો. અચાનક કરવામાં આવેલા આ ભાવવધારાના કારણે રાજ્યના લાખો ઘરોમાં રસોઈ માટે વપરાતા ગેસના બિલમાં નોંધપાત્ર ઉછાળો આવશે, જેને પગલે લોકોમાં છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે.
તહેવારોના દિવસોમાં જ્યારે ઘરોમાં મિઠાઈઓ અને વિવિધ વાનગીઓ બનાવવા માટે ગેસનો વપરાશ સ્વાભાવિક રીતે વધી જાય છે, ત્યારે જ કંપની દ્વારા આ વધારો અમલી બનાવવામાં આવ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યાં બીજી તરફ રસોડાના મુખ્ય ઈંધણ એવા PNG ગેસ મોંઘો થતાં સામાન્ય ગ્રાહકોનું આર્થિક ગણિત સાવ ખોરવાઈ ગયું છે.
ગુજરાત ગેસના આ નિર્ણયથી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગ પર આર્થિક માર પડશે. હવે લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર કે ગેસ કંપની ગ્રાહકોની સ્થિતિ ધ્યાને રાખીને આ વધારા પર પુનર્વિચાર કરે, જેથી તહેવારોના દિવસોમાં મોંઘવારીની હોળીમાંથી થોડી રાહત મળી શકે.