BREAKING NEWS

ડોક્ટરો બનનારા માટે મોટા સમાચાર: ગુજરાત સરકાર MBBS બોન્ડ સિસ્ટમ બદલવાના મૂડમાં, હાથ ધરશે મોટો સુધારો, જાણો વિગતે

  • July 27, 2026 06:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે સરકારી મેડિકલ કોલેજોમાંથી એમબીબીએસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે લાગુ ફરજિયાત સેવા (બોન્ડ) સીસ્ટમમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આરોગ્ય વિભાગે આ અંગે વિદ્યાર્થીઓ, તબીબી સંગઠનો અને અન્ય સંબંધિત પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મુકાયેલું મોડેલ ગુજરાત માટે યોગ્ય જણાશે તો તેને પણ અપનાવવાની તૈયારી છે.


રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે સરકાર હાલની બોન્ડ સિસ્ટમને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવાના પ્રયાસમાં છે. તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સમગ્ર મુદ્દાનો વિગતવાર અભ્યાસ કરવા અને તમામ હિતધારકોના અભિપ્રાય મેળવવા સૂચના આપી છે. તેમના જણાવ્યા મુજબ સરકાર વિદ્યાર્થીઓ અને સમાજ – બંનેના હિતોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેશે.


તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે એમબીબીએસ વિદ્યાર્થીઓ માટેની ફરજિયાત સેવા બોન્ડ વ્યવસ્થા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પૂછવામાં આવતા પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે ગુજરાત સરકાર તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે અને જરૂર જણાશે તો મહારાષ્ટ્રના મોડેલને પણ અપનાવી શકે છે.


હાલની વ્યવસ્થા મુજબ, સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ એક વર્ષ સુધી સરકાર દ્વારા નિર્ધારિત, ખાસ કરીને ગ્રામ્ય અથવા આરોગ્ય સેવાઓથી વંચિત વિસ્તારોમાં ફરજ બજાવવી પડે છે. જો કોઈ વિદ્યાર્થી સેવા આપવા ઇચ્છતો ન હોય તો તેને રૂ. 20 લાખનો બોન્ડ ભરવો પડે છે. જ્યારે એમડી/એમએસ/ડી.એન.બી. જેવા અનુસ્નાતક અભ્યાસ માટે બોન્ડની રકમ રૂ. 40 લાખ અને સુપર સ્પેશિયાલિટી માટે રૂ. 50 લાખ નક્કી કરવામાં આવી છે.


પૂર્વ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ફેબ્રુઆરી 2024માં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાને બદલે બોન્ડ ભરનારા એમબીબીએસ ડોક્ટરો પાસેથી સરકારને અત્યાર સુધીમાં રૂ. 671 કરોડની વસૂલાત થઈ છે, જ્યારે હજુ રૂ. 270 કરોડની વસૂલાત બાકી છે.


ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) ગુજરાત શાખાના સચિવ ડૉ. તુષાર પટેલે સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે આ મુદ્દે આઈએમએએ અગાઉ પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ઘણા ડોક્ટરોને બોન્ડ સમયગાળા દરમિયાન યોગ્ય પોસ્ટિંગ મળતી નથી, જેના કારણે તેઓ સેવા આપવા કરતાં બોન્ડની રકમ ચૂકવવાનું પસંદ કરે છે. તબીબી ક્ષેત્રના જાણકારોના મત મુજબ, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને યુવા ડોક્ટરોની સેવાઓ વધુ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય તેવી નવી વ્યવસ્થા બનાવવાની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application