ગુજરાતમાં લોકો ઉનાળું વેકેશનની મજા માણી શકે તે માટે રાજ્ય સરકાર રોજ દોડાવી રહી છે 1400થી વધુ એકસ્ટ્રા એસટી બસો

  • May 03, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.            


સૌરાષ્ટ્ર તરફ ૩૦૦ ટ્રીપો

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળા વેકેશન સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ અને સૌરાષ્ટ્ર તરફ ૩૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા   ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


દ્વારકા માટે રોજની ૧૦ ટ્રીપ 

રાજ્યના નાગરીકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોના દર્શને પણ જઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની ૧૦ ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની ૫ ટ્રીપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની ૫ ટ્રીપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની ૧૦ બસોની ટ્રીપોનો આયોજન એસ,ટી નિગમ દ્વારા કરવામાં આવે છે. ​​​​​​​


માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ

આ ઉપરાંત આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા આંતરરાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરેથી બે રોજની બે ટ્રીપોનું આયોજન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application