છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ગઈકાલે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યાં જઈને તેમણે ખેડૂતો સાથે સંવાદ સાધીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કૃષિ મંત્રી નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક બોલાવી છે. આજે સાંજ સુધીમા કૃષિ પેકેજની જાહેરાત થાય તેવા સંકેત મળી રહ્યા છે.
ખેતી પર નિર્ભર રહેલા ખેડૂતો માટે પાક નિષ્ફળ જતા ખરાબ હાલત
કમોસમી વરસાદ નુકસાની સહાય અંગે અત્યારે રાજ્ય સરકારની મહત્વની બેઠક મુખ્યમંત્રી નિવાસ્થાને ચાલી રહી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં વીતેલા 10 દિવસમાં પડેલા કમોસમી ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોની સ્થિતી ખરાબ થઈ ગઈ હતી. ખેતી પર નિર્ભર રહેલા ખેડૂતો માટે પાક નિષ્ફળ જતા ખરાબ હાલત થઈ ગઈ છે. ખેડૂતોએ સરવે કર્યા વગર જ ખેડૂતોને સીધી સહાય કરવામાં આવે તેવી માગ પણ સરકાર સમક્ષ કરી હતી.
ખુદ મુખ્યમંત્રીએ પણ જાતે ખેતરમાં જઈને ખેડૂતો સાથે વાતચીત કરી
કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હતી અને ખુદ મુખ્યમંત્રીએ પણ જાતે ખેતરમાં જઈને ખેડૂતો સાથે વાતચીત કરીને નુકશાની સંદર્ભે તાગ મેળવ્યો હતો. રાજ્યના મંત્રીઓ પણ વિવિધ જિલ્લામાં જઇને ખેડૂતોને મળીને નુકશાન અંગેની ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચાલી રહેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ હાજર છે અને કૃષિ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં ખેડૂતો માટેના રાહત પેકેજને બેઠકમાં આખરી ઓપ અપાશે. આજે સાંજ સુધીમાં આ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવશે.