સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ તાત્કાલિક અસરથી બંધ કરતી ગુજરાત સરકાર

  • May 03, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય યુવક બોર્ડનું નામ બદલીને પાંચ વર્ષ પહેલાં બનાવેલું સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે.સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડની પાછળ અંદાજે ૨૦કરોડથી વધુ રકમનો ખર્ચ થતો હતો. બોર્ડની અસ્કયામત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હસ્તક લઈ તેની આનુસાંગિક કાર્યવાહી યૂથ બોર્ડ અધિકારી દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

કમિશનર-રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળ કાર્યરત આ બોર્ડની મુદત વધુ એક વખત લંબાવવા માટે કમિશનર તરફથી ભલામણ થઈ હતી, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બોર્ડને વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે.

આ બોર્ડ વિખેરાવાના પરિણામે રાજ્યમાં માસિક મહેનતાણું અને માનદવેતન મેળવનાર ફરજ પરસ્ત કર્મચારીઓ નું શું થશે તે યક્ષ પ્રશ્નો સર્જાયો છે.ફક્ત એટલું જણાવાઈ રહ્યું છે કે, સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના તમામ સભ્યો,સંયોજકો,મહાનગરપાલિકા-નગરપાલિકા સંયોજકો સહિત તમામ જગ્યાઓ સહિત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડને વિખેરી નંખાયું છે.

ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડમાં કુલ ૧,૧૨૫ જેટલો સ્ટાફ કામ કરતો હતો અને આ તંત્ર પાછળ દર મહિને રૂ. ૧કરોડ ૭૦ લાખ લેખે વર્ષે રૂ. ૨૦.૪૦ કરોડ ખર્ચાતા હતા.

રાજ્યની ભાજપ સરકારે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી વખતે યુવા વર્ગને આકર્ષવા અને શેરી-મહોલ્લા- સોસાયટીઓમાં ક્રિકેટ કિટનું વિતરણ કરવા માર્ચ-૨૦૧૯માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડનું નામ બદલી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ રચ્યું હતું. બાદમાં તબક્કાવાર રાજ્યભરમાં ઝોન પ્રભારી, જિલ્લા પ્રભારીસંયોજક, મહાનગર સંયોજક, નગરપાલિકા સંયોજક,ગ્રામ સંયોજક જેવી ૨,૩૮૮ જગ્યાઓ ઊભી કરી ૧,૧૨૫ જેવા કાર્યકર્તા-સ્ટાફની નિમણૂક કરી હતી, જેમને મહિને ટોકન મહેનતાણું માનદ્ વેતનને નામે અપાતું હતું.

આ સમગ્ર તંત્ર ઉપર દેખરેખ રાખવા માટે અધિક કલેક્ટર કક્ષાના ખાસ ફરજ ઉપરના અધિકારી, સેક્શન અધિકારી, મામલતદાર વર્ગ-૨, સ્ટેનોગ્રાફ, કલાર્ક-કમ ડેટા એન્ટ્રી ઓપરેટરો પણ પ્રતિનિયુક્તિથી, નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂકથી કે આઉટસોર્સથી ફરજ બજાવતા હતા. આ બધા સ્ટાફને છૂટો કરાશે કે અન્ય કામગીરીમાં જોતરાશે કે કેમ તે વિશે કોઈ કશું જાણતું નથી.છેલ્લે તા.૩૧-૧૨-૨૦૨૪ના રોજ બોર્ડની મુદત પૂરી થઈ હતી, તે પછી ચાર મહિના બાદ મુખ્યમંત્રીએ બોર્ડને વિખેરવાનો નિર્ણય કરી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application