BREAKING NEWS

ગુજરાત સરકાર દુકાનોના નિયમો હળવા કરશે: મહિલાઓને નાઈટ શિફ્ટની મંજૂરી આપી શકે

  • August 17, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત સરકાર રાજ્યમાં બિઝનેસ કરવાનું વધુ સરળ બનાવવા માટે ગુજરાતમાં શોપ્સ-એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ-2019માં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત સુધારાઓ હેઠળ હવે રાજ્યભરમાં મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આ સાથે નાના વેપારીઓ અને સંસ્થાઓ માટે લાઇસન્સ સંબંધિત નિયમોમાં પણ રાહત મળી શકે છે.રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફેરફારો આગામી મહિને મળનારા વિધાનસભા સત્રમાં રજૂ થનારા ઓમ્નિબસ એક્ટનો ભાગ બની શકે છે. કેન્દ્ર સરકારના કોમલિયન્સ રિડક્શન અને ડિરેગ્યુલેશન એક્સરસાઇઝ અંતર્ગત આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને આ સુધારા કરવામાં આવી રહ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિવિધ કાયદાઓમાં રહેલી બિનજરૂરી પ્રક્રિયા અને નિયમનાત્મક બોજ ઘટાડવાનો છે.હાલના નિયમો મુજબ, મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી મુખ્યત્વે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા વિસ્તારોમાં જ છે. પ્રસ્તાવિત સુધારા બાદ આ મર્યાદા દૂર કરવામાં આવશે. એટલે કે, સમગ્ર ગુજરાતમાં મહિલાઓ નાઈટ શિફ્ટમાં કામ કરી શકશે, જોકે તેમની સુરક્ષા સહિતની જરૂરી શરતો લાગુ રહેશે.આ ઉપરાંત દુકાનો અને સંસ્થાઓ માટે ફરજિયાત લાઇસન્સની મર્યાદામાં પણ ફેરફાર કરવાની તૈયારી છે. હાલમાં 10 કર્મચારીઓ સુધીની સંસ્થાઓને લાઇસન્સની આવશ્યકતામાંથી મુક્તિ છે. સરકાર આ મર્યાદા વધારીને 20 કર્મચારીઓ કરવાની વિચારણા કરી રહી છે. આથી નાના વેપારીઓ અને સંસ્થાઓ પરનો કાયદાકીય અને દસ્તાવેજી બોજ ઘટશે.સરકાર દુકાનો અને સંસ્થાઓના કાયદા હેઠળ 12 કલાકની શિફ્ટની જોગવાઈ લાવવાની પણ વિચારણા કરી રહી છે. તાજેતરમાં ફેક્ટરીઝ એક્ટમાં કરવામાં આવેલા ફેરફારોની જેમ આ જોગવાઈ લાગુ થઈ શકે છે. જોકે કર્મચારીઓ માટે હાલની અઠવાડિયાની 48 કલાકની મહત્તમ કામની મર્યાદા જાળવી રાખવામાં આવશે.સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, કામકાજની પરિસ્થિતિ અને કર્મચારીઓની સુરક્ષા સંબંધિત જરૂરી જોગવાઈઓ યથાવત રાખીને વેપારીઓ માટેના નિયમનકારી બોજમાં ઘટાડો કરવાનો હેતુ છે.

આ સુધારા એક જ ઓમ્નિબસ એક્ટ હેઠળ વિવિધ વિભાગોના અનેક કાયદાઓમાં કરવામાં આવશે. અલગ-અલગ કાયદામાં જુદા સુધારા કરવાને બદલે એક જ કાયદા મારફતે ફેરફારો કરવાની સરકારની યોજના છે, જે ગુજરાતમાં ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસને વધુ મજબૂત બનાવવાના પ્રયાસનો મહત્વનો ભાગ માનવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application