BREAKING NEWS

ગુજરાત સરકારનો જનતાને રાહત આપતો મોટો નિર્ણય, હવે આ 18 પ્રમાણપત્રો-દાખલા મેળવવા કચેરીએ નહીં જવું પડે, આંગળીના ટેરવે ઘર બેઠા મેળવી શકશો

  • February 04, 2026 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનહિતને સ્પર્શતો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી 1 એપ્રિલથી આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સહિત કુલ 18 પ્રકારના મહત્વપૂર્ણ પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરાશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 70થી 80 લાખ પરિવારોને સીધો લાભ મળશે.


સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં છૂટકારો

વાઘાણીએ જણાવ્યું કે, શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર જેવા અનેક દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. અત્યાર સુધી આ દાખલા મેળવવા માટે વાલીઓને સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. ઘણી વખત એડમિશનની સમયમર્યાદા અને દાખલા મળવાની પ્રક્રિયા વચ્ચે મુશ્કેલી સર્જાતી હતી, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો.


અલગ-અલગ સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન અને ફેસલેસ બનાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેના પરિણામે હવે લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે અને પારદર્શક તેમજ ઝડપી સેવા મળશે. વાઘાણીએ ઉમેર્યું કે, આ વ્યવસ્થાથી ડિજિટલ ગવર્નન્સને વધુ વેગ મળશે અને સામાન્ય નાગરિકનો સમય તથા ખર્ચ બંને બચશે.​​​​​​​


પ્રમાણપત્રો પણ 1 એપ્રિલથી ઓનલાઈન મળતા શરૂ થશે

તેમણે જણાવ્યું કે, વિવિધ સરકારી યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો પણ 1 એપ્રિલથી ઓનલાઈન મળતા શરૂ થશે. આ સાથે કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી વધુ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારની સફળ કામગીરી દર્શાવે છે.


ભૂપેન્દ્ર પટેલની સરકાર ભવાઈ કરતા કલાકારનું પણ સન્માન કરે છે

આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ દ્વારા કલાકારો અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે પ્રતિક્રિયા આપતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ભવાઈ કરતા કલાકારનું પણ સન્માન કરે છે. કલાકારો રાજ્યના સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે, તેથી તેમના પર કોઈ પણ પ્રકારની ટીકા કે ટિપ્પણી યોગ્ય નથી. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, કોંગ્રેસને સનાતન સંસ્કૃતિ સામે હંમેશા વાંધો રહ્યો છે અને આજે લોક સ્વીકૃતિ મેળવવા માટે વલખાં મારી રહી છે. કોંગ્રેસ સનાતન વિરોધી વલણ અને વોટબેંકની રાજનીતિ કરે છે, એવો પણ આરોપ વાઘાણીએ લગાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application