ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદી સામે કોંગ્રેસ દ્રારા આંદોલન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે ગુરૂવારે જામનગરમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ ગુજરાત નશાની ચૂંગાલમાં ફસાઇ રહ્યાના ચોંકવાનારા આક્ષેપ સાથેનું આવેદન કલેકટર અને જિલ્લા પોલીસ વડાને પાઠવ્યું હતું. રાજય નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે તે ખૂબજ ચિંતાજનક હોવા છતાં ડ્રગ્સ અને દારૂ ની બેરોકટોક હેરાફેરી અને વેપલો થઇ રહ્યાનો આક્ષેપ પણ કર્યો છે.
ગુજરાતમાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે કોંગ્રેસ દ્રારા રાજયવ્યાપી આંદોલન શરૂ કરાયું છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્રારા ગુરૂવારે આ મુદે દેખાવ કરવામાં આવ્યા હતાં. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રેલી સ્વરૂપે કલેકટર અને એસપીને આવેદન પત્ર પાઠવ્યું હતું. શહેર(જિલ્લ્લા)કોંગ્રેસ સમિતિએ પોલીસ વડાને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને કારણે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. રાજય દારૂ-ડ્રગ્સનું પ્રવેશદ્રાર તો બન્યું છે અને હવે નશાખોરીનું એપી સેન્ટર પણ બની રહ્યું છે. જે અત્યંત ચિંતાજનક બાબત છે. રાજયમાં દરરોજ લાખો રૂપિયાના ડ્રગ્સ, દારૂનો જથ્થો પકડાઇ છે. પૂજય મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સરળતા થી દારૂ મળી જાય છે. જેટલો દારૂ પકડાય છે તેના કરતા સો ગણો દારૂ ઘૂસી જાય છે.

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર રાજયમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ સરકાર દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં નિષ્ફળ રહી છે. ઉડતા ગુજરાત એ ભાજપની ગીફટ છે. નશાખોરીના પગલે મહીલા પર અત્યાચારોની ઘટનામાં મોટાપાયે વધારો થયો છે. રાજયની બોર્ડર પર રાઉન્ડ ધી કલોક પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ કાર્યરત હોય અને ટેકનોલોજી દ્રારા નજર રાખવામાં આવતી હોવા છતાં રાજયમાં કરોડોનું ડ્રગ્સ ઠલવાઇ રહ્યું છે. ચાર વર્ષમાં ૧૬૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આથી દારૂબંધી અને નશાબંધીના કાયદાની કડકપણે અમલવારી કરવા, નશાનો બેરોકટોક વેપલો બંધ કરવા અને ગુજરાતના ભવિષ્ય અને યુવાધનને બચાવવા માંગણી કરી છે.
આવેદનપત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા કોંગી પ્રમુખ મનોજભાઇ કથીરીયા, માજી મંત્રી ડો.દીનેશભાઇ પરમાર, કોંગી આગેવાન બીપેન્દ્રસિંહ જાડેજા, જીવણભાઇ કુંભારવાડીયા, તાલુકા પ્રમુખ ઇકબાલભાઇ સુમરા, મહીલા સંઘના પ્રમુખ ક્રીપાબેન જાડેજા સહીતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application