BREAKING NEWS

ગુજરાતને વધારાના કોલસાનો પુરવઠો મળ્યો, વીજ અછત ઓછી થવાની આશા

  • October 21, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વીજળીની માંગ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચતાં સંભવિત વીજસંકટને પહોંચી વળવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલન વધાર્યું છે. કેન્દ્રીય કોલસા મંત્રાલય દ્વારા ગુજરાતને નવેમ્બર મહિના સુધી દરરોજ 10થી 11 રેક કોલસો પૂરો પાડવાની ખાતરી આપવામાં આવી છે. આગામી સમયમાં આ પુરવઠો વધારીને રોજની 13થી 14 રેક કરવામાં આવે તેવી પણ શક્યતા છે. બીજી તરફ, વધતી માંગને પહોંચી વળવા વધારાની વીજફાળવણી અને બેટરી સ્ટોરેજની ક્ષમતા વધારવા માટે પણ સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યની વીજળીની માંગ, ઉપલબ્ધ પુરવઠો અને આગામી દિવસોમાં ઊભા થઈ શકે તેવા પડકારોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા અને મુખ્ય સચિવ મનોજ દાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યમાં 16 ઓક્ટોબરના રોજ વીજળીની મહત્તમ માંગ 29,822 મેગાવોટ નોંધાઈ હતી, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 36.6 ટકા વધુ છે. આ જ દિવસે દૈનિક વીજ વપરાશ વધીને 574 મિલિયન યુનિટ થયો હતો, જ્યારે ગત વર્ષે ઓક્ટોબરમાં આ આંકડો 457 મિલિયન યુનિટ હતો. આમ, વીજ વપરાશમાં આશરે 27 ટકાનો વધારો નોંધાયો છે.નબળા ચોમાસા બાદ તાપમાન ઊંચું રહેતાં કૂલિંગ સાધનોના વપરાશમાં વધારો થયો છે. બીજી તરફ, પાકને બચાવવા માટે સિંચાઈની જરૂરિયાત વધતાં કૃષિક્ષેત્રની વીજ માંગ પણ વધીને 12,000 મેગાવોટ સુધી પહોંચી છે. દિવાળી પહેલાં ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન વધતાં વીજળીની માંગ પર વધુ દબાણ સર્જાયું છે.વીજળીની ઉપલબ્ધતા વધારવા માટે રાજ્યએ એનટીપીસીના ફરાક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર માટે 329 મેગાવોટ અને આસામમાં કેન્દ્રના વીજ ઉત્પાદન હિસ્સામાંથી 551 મેગાવોટની લાંબા ગાળાની ફાળવણી મેળવી છે. ઉપરાંત, બાઢ-1 અને દાદરી-1 થર્મલ પ્લાન્ટમાંથી 716 મેગાવોટ વીજ ખરીદીના કરાર માર્ચ 2028 સુધી લંબાવવામાં આવ્યા છે. કેન્દ્રીય વીજ મથકોના અનામત હિસ્સામાંથી વધુ 500 મેગાવોટ વીજળી મેળવવાની પણ માંગ કરવામાં આવી છે.સાંજે પાંચથી રાત્રે અગિયાર વાગ્યા દરમિયાન સૌર વીજ ઉત્પાદન બંધ થતું હોવાથી અને પવન ઊર્જા અનિયમિત રહેતી હોવાથી પુરવઠો જાળવવો પડકારરૂપ બન્યો છે. આ સ્થિતિમાં દિવસ દરમિયાન ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો સાંજના સમયે ઉપયોગ થઈ શકે તે માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં રાજ્યમાં 192 મેગાવોટની બેટરી સ્ટોરેજ ક્ષમતા કાર્યરત છે, જ્યારે 2,742 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટ્સ માટે કરારોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application