ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે એટલે કે આજે નાણામંત્રીત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ રૂ.૨૮૫૬ કરોડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ રૂ.૨૦૦૬ કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.૨૯૭૦૯ કરોડ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ રૂ.૧૪૮૫૮ કરોડ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ રૂ.૨૫૯૬૦ કરોડ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ.૪૩૧૪ કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ.૨૬૩૪ કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ.૧૩૯૪૨ કરોડ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૨૪૦૨૨ કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ.૨૯૧૦ કરોડ, મહેસૂલ વિભાગ માટે કુલ રૂ.૫૫૫૨ કરોડ, ગૃહ વિભાગ માટે કુલ રૂ.૧૪૨૬૫ કરોડ,
કાયદા વિભાગ માટે કુલ રૂ.૨૭૦૨ કરોડ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ.૪૫૨ કરોડ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ.૪૮૪૨ કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ.૩૫૬૦ કરોડ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ.૪૨૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક રૂ.3 લાખ 1 હજાર છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે રૂ.2755 કરોડ
રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી’ અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયું છે. જેને લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાઈ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની જોગવાઇ સૂચવું છું.
25 જીઆઇડીસી સ્માર્ટ બનાવાશે
ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં રૂ.1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રૂ.50 કરોડના રોકાણથી 120 મીની જીઆઇડીસીના નવીનીકરણનું આયોજન છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું.
ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઇ માટે રૂ.1775 કરોડ
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત એમએસએમઇ (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ એમએસએમઇ રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે રૂ..1775 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજકોટમાં આઇ-હબના રીજનલ સેન્ટર સ્થપાશે
કનુભાઈએ જણાવ્યું હતું કે, અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણ્યું છે. સ્ટાર્ટઅપ માટે આઇ-હબ અમદાવાદ ખાતે ઊભી થયેલી ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે આઇ-હબના રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. જેના માટે રૂ.80 કરોડની જોગવાઇ સૂચવું છું.
ગાંધીનગરમાં 100 કરોડની દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં રૂ.100 કરોડની જોગવાઇ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.
શિષ્યવૃત્તિ માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને રૂ.છ લાખ કરાઈ
ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક રૂ.2.50 લાખ આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા રૂ.2.50 લાખથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે.
વીબી-જી રામ જી યોજના માટે 1500 કરોડની ફાળવણી
વીબી-જી રામ જી (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યો છે. જેમાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવ્યા છે. જેના માટે કુલ રૂ.1500 કરોડનું આયોજન કર્યું છે.
નવી 2,000 આંગણવાડીઓ બનાવવા રૂ.360 કરોડ
રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે રૂ.360 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ વર્ષે 3 લાખ 15 હજારથી વધુ આવાસો બનાવાશે
એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી ‘ઘર સૌના માટે’નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે રૂ.4272 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.