રાજકોટમાં બુટલેગરોની કમર ભાંગી નાખવા માટે ક્રાઈમ બ્રાન્ચે મહત્વની કામગીરી કરી છે. કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે આંગળીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળી અને તેના સહિત કુલ છ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અલ્તાફ સિવાયના તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અલ્તાફ ઉર્ફે છ આંગળીની આ ટોળકીએ છેલ્લા દાયકા દરમિયાન દારૂની હેરફેર ઉપરાંત ખૂન, ખૂનની કોશિશ, ધમકી, લૂંટ સહિત 46 ગુના આચર્યા છે. પોલીસની આ કામગીરીથી શહેરમાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા રાજકોટમાં અલ્તાફ ઉર્ફે છ આંગળીની ગેંગ હત્યા, હત્યાની કોશિશ, ધમકી, લૂંટ સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટ, હથિયાર, દારૂ સહિતના ગંભીર ગુનાઓ સતત આચરતી હોય જેથી તેનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવા અને તેની સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેને લઇ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઇમ બી.બી. બસીયા તથા ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ સી.બી.જાડેજા દ્વારા ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ (રહે. અનમોલ પાર્ક શેરી નંબર 2, આજીડેમ ચોકડી પાસે) રાજકોટ શહેર તેમજ આજુબાજુમાં આવેલ જિલ્લાઓમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે સાગરીતોને સાથે રાખી ટોળકી બનાવી છે. જેણે વર્ષ 2016 થી 2026 દરમિયાન ધાક ઊભી કરવા માટે હત્યા,હત્યાની કોશિશ, ધમકી, લૂંટ, રાયોટ, સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટ, હુમલો, હથિયારધારા અને દારૂ જેવા ગુનાઓ મળી કુલ 46 ગંભીર પ્રકારના ગુના આચર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ ટોળકી સામે ગુજકેટો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુજસીટોક હેઠળ અલ્તાફ છ આંગળી હનીફભાઈ થઇમ ઉપરાંત તેના પાંચ સાગરીત તૌસીફ ઉર્ફે બાઘો અસિમભાઈ ઉમરેઠિયા (રહે. સાગર સોસાયટી શેરી નંબર 2, જંગલેશ્વર), ઇમરાન ગુલામભાઈ બેલીમ(રહે. જંગલેશ્વર શેરી નંબર 26), અશોક ગોવિંદભાઈ સિંધવ (રહે. મહાત્મા ગાંધી સોસાયટી શેરી નંબર-૧, દેવપરા), ભરત માવજીભાઈ વાસુર(રહે. નવા થોરાળા, વિજયનગર શેરી નંબર 9) અને ઈકબાલ કરીમભાઈ વડાવરીયા (રહે. મોરબી) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે અલ્તાફ ઉર્ફે છ આંગળી સિવાયના પાંચેય આરોપીઓને ઝડપી લીધા છે.
ટોળકીનો ગુનાહિત ઇતિહાસ
અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગ વિરુદ્ધ 46 ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે. જેમાં હત્યા અને હત્યાની કોશિશના બે, લૂંટનો એક, રાયટના પાંચ, મારામારીના ચાર, ફરજમાં રૂકાવટનો એક તેમજ દારૂ- જુગાર અને હથિયારધારાના 33 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અલ્તાફ છ આંગળી સાત વખત જ્યારે અશોક સિંધવ પણ સાત વખત પાસા હેઠળ જેવી હવા પણ ખાઈ ચૂક્યો છે.
અલ્તાફ સાથે ધરોબો ધરાવતા 11 પોલીસકર્મીની જિલ્લા ફેર બદલી કરાઈ
ગુજસીટોક હેઠળ જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેના ગેંગના સુત્રધાર અલ્તાફ ઉર્ફે છ આંગળી અગાઉ પકડાયો હતો. ત્યારે તેની પાસેથી ડાયરી મળી હતી, જેમાં તેના દારૂનો હિસાબ ઉપરાંત રાજકોટમાં ક્યા પોલીસકર્મીને કેટલો હપ્તો આપતો તેની સ્ફોટક માહિતી હતી. જેના આધારે જે-તે વખતે ક્રાઈમ બ્રાન્ચના 8 સહિત કુલ 11 પોલીસમેનની જિલ્લા બહાર બદલીનો આદેશ કરાયો હતો. જે પ્રકરણે શહેર પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી હતી.