રાજકોટ મહાપાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જગ્યાનો ચાર્જ અનુભવી અધિકારી હર્ષદ પટેલને સોંપ્યો હતો અને છેલ્લા એકાદ વર્ષથી તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યરત હતા, દરમિયાન આજે મળેલી ઓફિસર્સ સિલેકશન કમિટીની મિટિંગમાં પદાધિકારીઓએ હર્ષદ પટેલના નામ ઉપર પસંદગીની મહોર લગાવતા હવે આગામી જનરલ બોર્ડ મિટિંગમાં આ અંગેની દરખાસ્ત રજૂ થશે અને તે દરખાસ્ત મંજૂર થયેથી તેઓ રેગ્યુલર ચાર્જમાં ડેપ્યુટી કમિશનર તરીકે કાર્યરત થશે. આ પદ માટે પણ અનેક અધિકારીઓ દાવેદારી કરી રેસમાં સામેલ હતા પરંતુ શાસકોએ હર્ષદ પટેલ ઉપર પસંદગી ઉતારી હતી.
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ આજે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર સહિતના પદાધિકારીઓની ઓફિસર્સ સિલેકશન કમિટીની મિટિંગ મળી હતી જેમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો અને હવે આગામી જનરલ બોર્ડમાં આ અંગેની દરખાસ્ત રજૂ થશે તેમ જાણવા મળે છે.
મ્યુનિ.કમિશનરે સિટી એન્જિનિયરની ભરતી માટે પણ પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ આજે મળેલી ઉપરોક્ત મિટિંગમાં પદાધિકારીઓએ સિટી એનિજિનિયરની પસંદગીની વિવાદી દરખાસ્ત ધ્યાને જ લીધી ન હતી તેથી તે અંગે કોઇ નિર્ણય થયો નહીં હોવાનું જાણવા મળે છે.
ઇન્ચાર્જ ટીપીઓ પરમાર હાજર થયા
રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટીપીઓ તરીકે આર.ડી.પરમારની નિયુક્તિનો શહેરી વિકાસ વિભાગે શુક્રવારે હુકમ કર્યો હતો, દરમિયાન આજે બપોરે તેમણે કચેરીમાં ચાર્જ સંભાળ્યો હોવાનું જાણવા મળે છે.