કારખાનેદારને પુત્રના અભ્યાસ માટે લીમડા ચોક પાસે ઓફિસ ધરાવનાર શખસને વાત કરતા આર્થિક મદદના બદલામાં મોટા મવામાં આવેલા તેના પ્લોટનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. બાદમાં રૂ.૧૩ લાખની મદદ કરી હતી. પણ ત્યારબાદ પૈસા ન આપતા પ્રૌઢે પ્લોટ પરત આપવાનું કહેતા રૂ.૨૧.૫૦ લાખની માંગણી કરી હતી. જેથી આ અંગે કારખાનેદારે તાલુકા પોલીસ મથકમાં સુદાણી બંધુ સામે ફરિયાદ નોંધાવી છે.
હાલ ઉપલેટામાં રહેતા કારખાનેદાર યોગેશભાઈ પોપટભાઈ નાગેવાડીયા (ઉ.વ.51) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બેડીપરા સીતારામ રોડ આંબા ભગતની શેરી પાસે રહેતા ચિરાગ પ્રવીણભાઈ સુદાણી અને જીતેશ નારણભાઈ સુદાણીના નામ આપ્યા છે. પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તે હાલ ઉપલેટામાં તેના પુત્ર પ્રીત સાથે રહે છે જ્યારે તેમની પુત્રી, પત્ની અને માતા-પિતા રાજકોટમાં કાલાવડ રોડ પર રામધામ-૨ સોસાયટીમાં રહે છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેઓને રાજકોટમાં મોટા મવા રેવન્યુ સર્વે નંબર 70 માં 238 વારનો પ્લોટ આવેલો છે. પરંતુ તેની અસલ ફાઇલ તેમની પાસે ન હોય અને પરિવારના સભ્યોમાંથી કોઈ પાસે હોય જે આપતા ન હોય જેથી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતેથી ગઈ તારીખ 1/2/2022 ના સર્ટિફાઇડ નકલ કઢાવી હતી. પુત્ર પ્રીતને ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર હોય જેથી પ્રૌઢ તથા તેમના પુત્ર પ્રીતે આ સર્ટિફાઇડ નકલના આધારે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ પ્લોટ પર લોન લેવા માટે કોશિશ કરી હતી પરંતુ લોન મંજૂર થઈ ન હતી. આ દરમિયાન તેમની મુલાકાત રવિરાજભાઈ ચૌહાણ સાથે થઈ હતી અને તેમને કહ્યું હતું કે, મારા દીકરાના ઉચ્ચ અભ્યાસ અર્થે મારે રૂપિયાની જરૂર છે અને મારી માલિકીના પ્લોટ ઉપર કોઈ બેંક અમને લોન આપતી નથી જેથી રવિરાજભાઈ ચૌહાણ તેના ભાઈ સાગર ચૌહાણ સાથે રાજકોટના લીમડા ચોક ખાતે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ સાગર ચૌહાણ લીમડા ચોકમાં આલાપ બિલ્ડિંગમાં ચિરાગ સુદાણીની ટોપ સિક્રેટ ન્યુઝ નામની ઓફિસ ખાતે લઈ ગયો હતો. ત્યાં ચિરાગ સુદાણી સાથે વાતચીત કરતા તેણે કહ્યું હતું કે, હું તમને આર્થિક રીતે મદદ કરીશ તેમજ તમારા દીકરાના એડમિશન માટે પણ હું તમારી મદદ કરીશ તમે ચિંતા કરશો નહીં અને કહ્યું હતું કે, તમારા પ્લોટનો દસ્તાવેજ મારા નામે કરી આપવો પડશે અને તમારા દીકરાનો અભ્યાસ પૂર્ણ થાય એટલે જે રકમ અભ્યાસ માટે ખર્ચ થઈ હોય તે પરત આપવાથી આ પ્લોટનો દસ્તાવેજ પરત આપવાનું મૌખિક રીતે નક્કી થયું હતું.
બાદમાં પ્રૌઢે ચિરાગ સુદાણીની વાત પર ભરોસો કરી પ્લોટની સર્ટિફાઇડ નકલ ચિરાગ સુદાણીને આપી હતી. ત્યારબાદ આ ચિરાગભાઈએ તેમના મિત્રનો માધાપર ચોકડી પાસે ધ સ્પેસ બિલ્ડિંગમાં ફ્લેટ હોય તે રહેવા માટે આપ્યો હતો. જ્યાં પ્રૌઢ અને તેમનું પુત્ર પ્રીત રહેતા હતા દરમિયાન વડોદરા ખાતે પારૂલ યુનિવર્સિટીમાં બી ટેકમાં એડમિશન કરાવી આપ્યું હતું. જેથી પ્રીત અહીં અભ્યાસ માટે જતો રહ્યો હતો બાદમાં તારીખ 2/6/2022 ના રોજ ચિરાગભાઈ સુદાણી અને તેના કૌટુંબિક ભાઇ જીતેશ સુદાણીના નામે પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.
ફરિયાદીના પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે પોલેન્ડ જવા માટે પૈસાની જરૂરિયાત પડતા ક્રેડિટ કાર્ડ કઢાવ્યું હતું. જે ક્રેડિટ કાર્ડ ઉપર દર મહિને ચિરાગભાઈ સુદાણી રૂપિયા એક લાખનો વ્યવહાર કરતા હતા.બાદમાં રૂપિયા બેંકમાં જમા કરાવેલ ન હતા જેથી બેંક તરફથી ફરિયાદીને જાણ થતા તેમણે એફડી તોડાવી રૂપિયા ક્રેડિટ કાર્ડમાં ભરપાઈ કર્યા હતા અને ક્રેડિટ કાર્ડ બંધ કરી દીધું હતું.
બાદમાં ચિરાગ સુદાણીયા ફરિયાદીને પુત્રના અભ્યાસ અર્થે તેમજ ઘર ખર્ચ માટે તારીખ 1/7/2022 થી 26/8/2023 સુધીમાં કુલ રૂપિયા 13 લાખ જેટલી રકમ આપી હતી. ઓગસ્ટ 2023 થી ચિરાગ સુદાણીએ રૂપિયા આપવાનું બંધ કરી દેતા ફરિયાદીના પુત્રનો અભ્યાસ રોકાઈ ગયો હતો અને આ ચિરાગભાઈ સાથે નક્કી થયા મુજબ દસ્તાવેજ પરત કરી આપવાનું કહેતા ચિરાગે કહ્યું હતું કે, દસ્તાવેજ પરત કરી આપવા માટે 21.50 લાખ આપવા પડશે. પરંતુ તેમ છતાં ચિરાગે પ્લોટનો દસ્તાવેજ પરત કરી આપ્યો ન હોય આમ ફરિયાદીના પુત્રને અભ્યાસ માટે આર્થિક મદદ કરવાનું કહી રૂપિયા 13 લાખ આપી તેમના પ્લોટનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લઈ ફરત ન આપી છેતરપિંડી આચરી હોય જે અંગે પ્રૌઢ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ચિરાગ પ્રવીણભાઈ સુદાણી અને તેના કૌટુંબિક ભાઈ જીતેશ નારણભાઈ સુદાણી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.