જામનગર તા.૧૩ નવેમ્બર, જામનગર જિલ્લાના પત્રકારો માટે માહિતી વિભાગ અને ગુજરાત રેડક્રોસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન નેશનલ હાઈસ્કૂલ, રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઇલ, કીડની, થાઇરોઇડ, બી-૧૨ અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સ રે, ઇસીજી વગેરે ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પનો ૪૪ પત્રકારોએ લાભ લીધો હતો.

નિદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. જેમાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો.અવિનાશ ભટ્ટ, જામનગર જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક રજાક ડેલા, રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દીપા સોની, પત્રકાર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાવલ, રેડક્રોસ સોસાયટીના સભ્યો, જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ, પત્રકાર, ગુજરાત રેડક્રોસ સોસાયટીની ટીમ વગેરે સહભાગી થયા હતા.
