BREAKING NEWS

અમરેલી-ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, ધોધમાર વરસાદથી રસ્તાઓ અને ખેતરો થયા પાણી પાણી

  • June 23, 2026 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે ત્યારે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પંથકોમાં કુદરત મહેરબાન થઈ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ સતત યથાવત્ રહ્યો છે, જેના કારણે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને મોટી રાહત મળી છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સિઝનનો પ્રથમ સારો વરસાદ ખાબકતા ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને કૃષિ આલમમાં વ્યાપક ખુશીની લાગણી જોવા મળી રહી છે.


જાફરાબાદ અને ખાંભા તાલુકામાં સાર્વત્રિક વરસાદ

અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આજે જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા અને નાગેશ્રી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ અને ત્રાકુડા સહિતના ગામોમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાડી વિસ્તારો અને ખેતરો પાણી-પાણી થઈ ગયા હતા. જો કે, કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને કારણે વાડી વિસ્તારમાં એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હોવાના અહેવાલો પણ સાંપડ્યા છે, પરંતુ એકંદરે આ વરસાદ ખેતી માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


ઊના અને ગીરગઢડા પંથકમાં વરસાદી માહોલ

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ઊના અને ગીરગઢડા પંથકમાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. બપોર બાદ અચાનક આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેઘાવી માહોલ વચ્ચે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એક તરફ લોકો અને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વરસાદી ઝાપટાંએ ગરમીનો અંત આણ્યો હતો. લાંબા સમય બાદ ખેતરોમાં વરસાદી પાણી વહેતા થતા ખેડૂતોના ચહેરા પણ પાણીદાર બન્યા છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થતાં જ ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કાર્યની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.


સનખડામાં પોણો ઇંચ વરસાદ, શહેરીજનોને ગરમીથી રાહત

ઊના તાલુકાના સનખડા અને ગાંગડા ગામમાં બપોર પછી અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સનખડામાં અંદાજે પોણાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત સામતેર વિસ્તારમાં પણ પવન સાથે વરસાદી ઇનિંગ શરૂ થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે ઊના શહેરમાં પણ પવનના સુસવાટા સાથે ધીમીધારે વરસાદ શરૂ થતાં શહેરીજનોએ અસહ્ય બફારામાંથી મુક્તિ મેળવી હતી અને ઠંડકનો અહેસાસ કર્યો હતો. લોકોએ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો.​​​​​​​


ગીર ગઢડાના ગામોમાં સાંબેલાધાર વરસાદ: રસ્તાઓ પાણી-પાણી

ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના બેડીયા ગામમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા, સામેતર, બેડીયા, મોતીસર, સોનારિયા, આંબાડા, ઉગલા અને જશાધાર સહિતના તમામ ગ્રામ્ય પંથકોમાં એકાદ કલાક સુધી સાંબેલાધાર વરસાદ વરસી ગયો હતો. આ મુશળધાર વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. આ પ્રથમ સારા વરસાદથી જમીનમાં વરાપ થતાં જ વાવણીના કાર્યોને મોટો વેગ મળશે, જેના કારણે જગતનો તાત ભારે ઉત્સાહમાં આવી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application