દિલ્હી-એનસીઆરમાં સોમવારે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનની સીધી અસર જોવા મળી હતી. પ્રાપ્ત આંકડા મુજબ, દિલ્હી આવતી 400થી વધુ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. જ્યારે 26 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 413 ફ્લાઇટ્સ મોડી પડી હતી. અનેક ફ્લાઇટ્સને જયપુર, ચંડીગઢ અને લખનૌ જેવા શહેરોના એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. ભારે વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તારો માટે ભારે વરસાદનું રેડ એલર્ટ, જ્યારે અન્ય વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. સાથે જ ગાજવીજ, વીજળીના ચમકારા અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી કરવામાં આવી હતી. ખરાબ હવામાનને પગલે ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ સહિતની એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ તપાસ્યા બાદ જ એરપોર્ટ જવાની સલાહ આપી હતી. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે મુસાફરોને વધુ સમય લઈને નીકળવા પણ જણાવાયું હતું. દરમિયાન, ગુરુગ્રામમાં પણ વરસાદે ભારે તબાહી મચાવી હતી. રિપોર્ટ મુજબ માત્ર 35 મિનિટમાં આશરે ૩ ઇંચ વરસાદ પડતાં શહેરનું ડ્રેનેજ તંત્ર ખોરવાઈ ગયું હતું. સુભાષ ચોક સહિતના અનેક મુખ્ય રસ્તાઓ અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આશરે 15 વાહનો, જેમાં 9 સ્કૂલ બસનો સમાવેશ થાય છે, પાણીમાં ફસાઈ ગયા હતા. બસોમાં સવાર 300થી વધુ બાળકો લગભગ બે કલાક સુધી ફસાયેલા રહ્યા હતા. સ્થિતિ જોઈને વાલીઓ સ્થળ પર પહોંચ્યા અને બાળકોને બહાર કાઢ્યા હતા. ગુરુગ્રામમાં 50થી વધુ સ્થળોએ ટ્રાફિક જામ સર્જાયો હતો. દિલ્હી-જયપુર હાઈવે પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સુભાષ ચોક વિસ્તારમાં ભરાયેલું પાણી સાંજે 6 વાગ્યા સુધી ન ઓસરતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી. હવામાન નિષ્ણાતોના મતે, આ માત્ર એક ભારે વરસાદની ઘટના નથી પરંતુ બદલાતી ચોમાસાની પેટર્નનો સંકેત છે. સીઈઈડબલ્યુના નિષ્ણાત ડૉ. વિશ્વાસ ચિતાલેએ જણાવ્યું કે ભારતમાં ચોમાસું સમય, વિસ્તાર અને તીવ્રતાની દૃષ્ટિએ વધુ અનિયમિત બની રહ્યું છે. ટૂંકા ગાળામાં પડતો અતિભારે વરસાદ ખાસ કરીને કોંક્રિટથી ભરાયેલા શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમ પર ભારે દબાણ ઊભું કરે છે. દિલ્હીમાં મંગળવારથી વરસાદમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે બુધવારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ગુરુવારથી રવિવાર સુધી મોટા ભાગે વરસાદની આગાહી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application