સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ જમાવટ કરી હોય તેમ જૂનાગઢ જિલ્લાને ધમરોળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો, ભેસાણમાં માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં દોઢ ઇંચ, માળિયા હાટીનામાં એક ઇંચ, જ્યારે વંથલી અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં પણ લાંબા સમય બાદ બપોરે વરસાદી એન્ટ્રી થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી છે.

જોકે, જૂનાગઢ મહાનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં જ મહાનગરપાલિકાની પ્રી-મોનસૂન કામગીરી અને કરોડો રૂપિયાના વિકાસકામોના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. માત્ર પહેલા જ વરસાદે તંત્રના પોકળ આયોજનનો આયનો બતાવી દીધો છે. શહેરના મુખ્ય માર્ગો, સાંસદ રોડ તેમજ કસ્તુરબા સોસાયટી સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર વ્યવસ્થા માત્ર કાગળ પર જ દોડતી હોય તેમ ઠેર-ઠેર લાઈનો ચોકઅપ થતાં ગંદા પાણી રસ્તા પર ઉભરાયા છે. વોટર વર્ક્સ શાખાની આ અણઆવડત અને બેદરકારીને કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને જનજીવન પ્રભાવિત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજુલાના ચૌત્રામાં રાયડી નદીમાં પૂર: ધસમસતા પ્રવાહમાં ૩૫ બકરા તણાયા
બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચૌત્રા ગામમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગામમાંથી પસાર થતી રાયડી નદીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. નદીના ધસમસતા અને ભયાનક પ્રવાહના પાણી ચારે તરફ ફરી વળ્યા હતા. આ પૂરના પ્રવાહમાં સ્થાનિક માલધારી પરિવારના આશરે ૩૫ જેટલા બકરાંઓ અચાનક તણાઈ ગયા હતા. બકરાંને ડૂબતા બચાવવા માટે સ્થાનિક લોકો જીવના જોખમે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ કેટલાક બકરાંને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે કેટલાક હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.

આ બકરાંને બચાવવા નદીના પાણીમાં ઉતરેલા કેટલાક સ્થાનિકો અને મહિલાઓ પણ પાણીના જોરદાર પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જોકે, કાંઠે ઉભેલા અન્ય ગ્રામજનોની સતર્કતા અને સમયસૂચકતાને કારણે તેમને મહામુસીબતે ડૂબતા બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આટલી ગંભીર ઘટના બનવાના બે કલાક બાદ પણ વહીવટી તંત્રનું કોઈ વહાલું ઘટનાસ્થળે પહોંચ્યું ન હતું.

જાફરાબાદ અને અમરેલી ગીર પંથકમાં અનરાધાર
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ખાંભા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. જાફરાબાદના પાટી માણસા, મોટા મોણસા, લોર તેમજ જામકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. મોટા બારમણ, ધૂંધવાણા, ખડાધાર, ત્રાકુડા અને તાલડા સહિતના ગામો પાણી-પાણી થઈ ગયા હતા અને જામકા ગામની શેરીઓ નદીમાં ફેરવાઈ હોય તેમ પાણી વહેતા જોવા મળ્યા હતા. લાંબા સમયથી સુક્કા પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ બનતા અને નાગેશ્રી, મીઠાપુર, સરોવડામાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં સારા ચોમાસાની આશા વધુ મજબૂત બની છે.
ભાવનગરના મહુવામાં વીજળી ગુલ: અસહ્ય ઉકળાટ બાદ મેઘમહેર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં પણ લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાનું આગમન થયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ અને અસહ્ય ગરમી-બફારા બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. મહુવાના ગાંધીબાગ, એસ.ટી. બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, નવાઝાંપા, ભાદ્રોડ ઝાંપા અને સોની બજાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે લોકોને થોડી મુશ્કેલી પડી હતી પરંતુ ગરમી શાંત થતાં અને વરસાદ પડતાં જગતના તાત માટે આ સમાચાર રાહત લઈને આવ્યા છે.