મધ્ય કેન્યાના સામ્બુરુ કાઉન્ટીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોનાં મોત થયા છે. મૃતકોમાં પાંચ અમેરિકન નાગરિકો ઉપરાંત ઇક્વાડોરની ગુપ્તચર એજન્સીના ડિરેક્ટર જનરલ મિશેલ સેન્સી-કોન્ટુગી અને તેમની પત્ની સ્ટેફની સેન્સીનો સમાવેશ થાય છે. આ અકસ્માતથી સ્થાનિક તંત્રમાં ભારે ચકચાર મચી છે.કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર સામ્બુરુ કાઉન્ટીના માઉન્ટ ઓલોલોકવે વિસ્તારમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં કુલ સાત લોકો સવાર હતા અને સામ્બુરુ કાઉન્ટી પોલીસ કમાન્ડર ડેવિડ ન્કોરોએ તમામ સાત લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.અહેવાલો મુજબ, હેલિકોપ્ટરમાં સવાર લોકો લક્ઝરી ટૂર કંપની ‘એન્ડબિયોન્ડ’ના મહેમાનો હતા. હેલિકોપ્ટરનું સંચાલન કરતી લેડી લોરી હેલિકોપ્ટર્સે પણ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુરોકોપ્ટર ઇસી130 બી4 હેલિકોપ્ટર લોઇસાબા વન્યજીવન સંરક્ષણ કેન્દ્રથી ઇવાસો ન્ગ’ઇરો નદી તરફ જઈ રહ્યું હતું ત્યારે માઉન્ટ ઓલોલોકવે વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો.મૃતકોમાં ઇક્વાડોરની ગુપ્તચર એજન્સીના ડિરેક્ટર જનરલ મિશેલ સેન્સી-કોન્ટુગી અને તેમની પત્ની સ્ટેફની સેન્સીનો પણ સમાવેશ થાય છે. સ્ટેફની વ્યવસાયે ફેશન ડિઝાઇનર હતી. આ ઉપરાંત સ્પેનિશ ભાષાના ટીવી નેટવર્ક ટેલિમુન્ડોના એક્ઝિક્યુટિવ જોસ સુઆરેઝનું પણ દુર્ઘટનામાં મોત થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.ઇક્વાડોરના રાષ્ટ્રપતિ કાર્યાલયે સેન્સી-કોન્ટુગી પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે મૃતકોમાં પાંચ અમેરિકન નાગરિકો હોવાની પુષ્ટિ કરી છે. અમેરિકી દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને મૃતકોના પરિવારોને કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહ્યું છે.કેન્યા રેડ ક્રોસની ટીમ દ્વારા ઘટનાસ્થળે રાહત કામગીરી અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જોકે, ખડતલ પર્વતીય વિસ્તાર અને અકસ્માત બાદ લાગેલી આગને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. કામગીરી ઝડપી બનાવવા માટે ઇસિઓલોથી વધારાની ટીમ પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. કેન્યાના પરિવહન મંત્રાલયે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.