BREAKING NEWS

લોકગાયક કિર્તીદાન ગઢવી અને સાયબર સેલના ઉચ્ચ અધિકારીઓને હાઈકોર્ટની નોટીસ: જાણો કારણ

  • April 29, 2026 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અને ગાંધીનગર સાયબર સેલના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે કાર્યરત જયેશ પરમારની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે કિર્તીદાન ગઢવી, તેમના ભાગીદારો સહિત CID ક્રાઈમ સાયબર સેલના SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ. ચૌધરી અને PSI પરમારને નોટીસ ફટકારી છે. આ મામલે હાઈકોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવતા પોલીસ સ્ટેશનના ૨૦ અને ૨૧ ફેબ્રુઆરીના CCTV ફૂટેજ પણ સુરક્ષિત રાખવાનો મહત્વનો આદેશ કર્યો છે.


અરજદાર જયેશ પરમાર દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મુજબ, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ તેમને કોઈ પણ પ્રકારના સમન્સ, વોરંટ કે પૂર્વ મંજૂરી વગર ગાંધીનગર સાયબર સેલ દ્વારા સિવિલ ડ્રેસમાં ગેરકાયદેસર રીતે ઉઠાવી લેવામાં આવ્યા હતા. અરજદારનો દાવો છે કે તેમને સવારના ૧૦ વાગ્યાથી મોડી રાતના ૨ વાગ્યા સુધી પોલીસ મથકમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન પોલીસ અધિકારીઓએ કાયદો હાથમાં લઈને તેમને ઢોર માર માર્યો હતો અને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. આ આક્ષેપોના સમર્થનમાં અરજદારે હોસ્પિટલનું મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યું છે, જે પોલીસની કથિત બર્બરતાની સાક્ષી પૂરે છે.


સમગ્ર વિવાદના મૂળમાં નવરાત્રિ ૨૦૨૫ના આયોજન દરમિયાન થયેલી નાણાકીય લેવડદેવડ અને ભાગીદારીના પ્રશ્નો છે. જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ઇવેન્ટના એકાઉન્ટ્સ અને નફાની વહેંચણી બાબતે વિવાદ થયો હતો. અરજદારે કોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ વિવાદ 'કોમર્શિયલ સિવિલ' પ્રકારનો હતો, જેનું નિરાકરણ લાવી શકાય તેમ હતું. તેમ છતાં, કિર્તીદાન ગઢવીએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરી પોલીસ સાથે મળીને આ કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ છે. અરજદારે કિર્તીદાન ગઢવીને આ સમગ્ર ઘટનાના 'માસ્ટર માઈન્ડ' ગણાવ્યા છે.


વધુમાં, અરજીમાં પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં યોજાયેલી ઇવેન્ટના વિવાદની તપાસ કરવાની ગાંધીનગર સાયબર સેલની કોઈ હકુમત બનતી નથી. તેમ છતાં, સાયબર ક્રાઈમ ન હોવા છતાં સાયબર સેલના અધિકારીઓએ રસ દાખવ્યો હતો. અરજદારે આરોપ લગાવ્યો છે કે નવરાત્રિ દરમિયાન પોલીસ અધિકારીઓને વહેંચવા માટે આયોજકો પાસેથી ૮,૦૦૦થી વધુ ટિકિટો લેવામાં આવી હતી, જેના બદલામાં પોલીસે કિર્તીદાન ગઢવીના ઈશારે આ ગેરકાયદેસર કાર્યવાહી કરી હતી. હાલમાં હાઈકોર્ટે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે, જેનાથી કાયદાકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application